પાવીજેતપુર તાલુકાના બાર ગામમાં ટીબી રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો: આંગણવાડી બહેનોને મહત્વની માહિતી અપાયી 

      પાવીજેતપુર તાલુકાના બાર ગામમાં તા. ૩૦ જુલાઈના રોજ ટીબી રોગ સામે જાગૃતિ પ્રસરે તે હેતુથી વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય સેવિકાબેન તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહી મહત્વની માહિતી મેળવી હતી.

         તાલુકા ટીબી સુપરવાઈઝર શ્રી વિનોદભાઈ ડી. વણકરે ટીબી રોગના લક્ષણો – જેમ કે બે અઠવાડિયાથી વધુ સમયથી ખાંસી, ભૂખ ન લાગવી, વજન ઘટવું, છાતીમાં દુખાવો, સાંજના સમયે હળવો તાવ આવવો, અને ગળફામાંથી લોહી આવવું વગેરે વિષે વિગતે સમજણ આપી હતી. તેમજ નિદાન માટેની પદ્ધતિઓમાં એક્સ-રે અને ગળફાની તપાસ અંગે માહિતી આપી હતી. તેઓએ ‘નીક્ષય પોષણ યોજના’ હેઠળ મળતી પોષણ સહાય તથા સરકારના ટીબી મુક્ત ભારતના ઉદ્દેશ્ય વિષે પણ માહિતી આપી હતી. લોકોને યોગ્ય સમયે સારવાર મળી શકે અને સમાજ ટીબી મુક્ત બનવામાં યોગદાન આપી શકે તેવી વિસ્તારથી સમાજ આપી હતી. 

       આ કાર્યક્રમ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને ટીબી અંગેની સાચી સમજણ મળી જેનાથી તેઓ ગામમાં વધુ અસરકારક રીતે જાગૃતિ ફેલાવી શકશે. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડાયો હતો.