બનાસકાંઠામાં ડીસામાં સાંઈબાબા મંદિર પાસે આવેલા ગેરેજ આગળથી પૈસા ભરેલા થયેલા સહિત બાઇકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ગેરેજ માલિકે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે બાઈક ચોરની તપાસ હાથ ધરી છે.

ડીસાના રાજપુર લોધાવાસમાં રહેતા હરેશકુમાર બાબુલાલ લોધા ઓટો ગેરેજનો ધંધો કરે છે. જેમની ઓટો ગેરેજ ડીસા કોલેજ રોડ પર સાઈબાબા મંદિર પાસે આવેલી છે. તેમણે પાલનપુરમાં રહેતા રમેશભાઈ બોઘા પાસેથી 2012 મોડલનું બાઈક ખરીદ્યું હતું અને તે બાઈક તેમની ગેરેજ આગળ પાર્ક કરી વેચાણ માટે મૂક્યું હતું.

તે દરમિયાન ગૂગળ ગામના અરવિંદભાઈ વાલ્મિકી અને મનુભાઈ વાલ્મિકી જુનુ બાઇક ખરીદવા માટે ત્યાં આવ્યા હતા અને હરેશભાઈ લોધાએ પાલનપુરથી ખરીદેલું બાઈક તેમને બતાવ્યું હતું. જેથી બંને શખ્સો બાઈકનો ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે ગયા બાદ પરત આવી ગેરેજ આગળ બાઈક પાર્ક કર્યું હતું.

તેમજ તે સમયે અરવિંદભાઈએ તેમની પાસે રહેલી 20 હજાર રૂપિયા ભરેલી થેલી બાઈક પર લટકાવી હતી. તેમજ બાઈક લેવા માટે ભાવતાલ કરવા માટે ગેરેજમાં જઈને બેઠા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ ત્યાંથી બાઈક લઈને રફુચક્કર થઈ ગયો હતો. જે મામલે ગેરેજના માલિકે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે.