પાવીજેતપુરના વેપારીઓ રક્ષાબંધન પર્વે પણ ભારે મુશ્કેલીમાં: રસ્તાઓ બંધ થતા ધંધો ઠપ્પ, તંત્ર સામે નારાજગી
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના વેપારીઓ માટે આ વર્ષે રક્ષાબંધન પર્વ ખુશીની જગ્યાએ ચિંતાનો વિષય બની ગયો છે. વિસ્તારના મુખ્ય રસ્તાઓ બંધ હોવાના કારણે મોટા વાહનો પાવીજેતપુર સુધી પહોંચી શકતા નથી, જેના કારણે આખો વેપાર ધંધો ઠપ્પ થવાની કગારે છે.
પાવીજેતપુરના માર્ગ વ્યવસ્થાની હાલત અત્યંત કથળેલી છે. નેશનલ હાઇવે નં. ૫૬ પર આવેલી ભારજ નદી ઉપરનો બ્રિજ બે વર્ષ પહેલા તૂટી ગયો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા બનાવવામાં આવેલા બે ડાયવર્ઝન પણ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયા છે. તેમજ ઓરસંગ નદી પરનો મોડાસર બ્રિજ અને મેરીયા બ્રિજ પણ મોટા વાહનો માટે બંધ છે, જેના કારણે પાવીજેતપુરનો સમગ્ર ટ્રાફિક કટ થઈ ગયો છે. પરિણામે પેસેન્જર અને માલવાહક વાહનો ગામમાં આવી શકતા નથી, જેનાથી વેપારીઓને માલ મંગાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રક્ષાબંધનના પર્વે રાખડી, ભેટ સામાન, મીઠાઈ વગેરે વસ્તુઓની માંગ હોવા છતાં બજાર સૂમસામ દેખાઈ રહ્યું છે. ગ્રાહકોનો પ્રવાહ ઘટી ગયો છે અને વેપારીઓને આર્થિક રીતે મોટો ફટકો લાગ્યો છે.
પાવીજેતપુરના સ્થાનિક વેપારીઓએ તંત્ર સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, "અમે નિયમિત ટેક્સ ચૂકવીને પણ ધંધો ચલાવી શકતા નથી. માર્ગવ્યવસ્થા પુરી ન હોવાથી સમગ્ર વિસ્તાર અલગ થઇ ગયો હોય એમ લાગી રહ્યું છે."
હાલમાં જે વાહનો પાવીજેતપુર તરફ જતા હોય તેઓને ૪૦થી ૫૦ કિલોમીટરના ફેરા મારવા પડે છે. સતત અવરજવર બંધ હોવાથી રોજિંદો વેપાર બંધ થયો છે અને વેપારીઓને 'માથે હાથ દઈ રોવાની ' નોબત આવી છે. વેપારીઓએ તંત્રને વિનંતી કરી છે કે તાત્કાલિક નવીન ડાયવર્ઝન અથવા બ્રિજના કામો શરૂ કરવામાં આવે જેથી તેઓનો ધંધો ફરી શરૂ થઈ શકે. રક્ષાબંધન જેવી તક પર પણ ધંધાની સુસ્તી વેપારીઓ માટે મોટી ચિંતા બની છે.
પાવીજેતપુર ના વેપારીઓ છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા ને ડાયવર્ઝન અંગે મળીને રજૂઆત કરી હતી, જ્યારે જનતાનું તેમજ વેપારીઓનું હિત જોઈ ગમે તે રીતે છેલ્લે જનતા ડાયવર્ઝન પણ શરૂ કરીશું તેવું આશ્વાસન આપ્યું હતું. તો રક્ષાબંધન પર્વ પહેલા આ અંગે ઘટતું કરે તેવી લોક માંગ ઉઠી છે.