પાવીજેતપુરમાં મોહસીને આઝમ મિશન દ્વારા તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન કરાયું
પાવીજેતપુરમાં મોહસીને આઝમ મિશન દ્વારા ધોરણ ૧ થી ૧૨ ના તેજસ્વી તારલાઓનું ભવ્ય રીતે સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પાવીજેતપુર મોહસીને આઝમ મિશનના યુવાનો દ્વારા મસ્જિદ ફળિયામાં તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. બાળકો શિક્ષણ મેળવે અને શિક્ષણ પ્રત્યેની ભૂખ જાગે તે હેતુસર ધોરણ ૧ થી ૧૨ માં એક થી ત્રણ નંબર આવેલા ૩૬ જેટલા મુસ્લિમ બાળકોને મેડલ તેમજ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ બાકી રહેલા તમામ ૭૮ જેટલા વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.
આ સમયે બોડેલી ખત્રી વિદ્યાલયના આચાર્ય ફારુકભાઈ ટપલાએ બાળકોને વધુને વધુ મહેનત કરી આગળ આવવા તેમજ વાલીઓને પણ વધુ સજાગ થવા ઉદાહરણ સહિત માર્મિક ટકોર કરવામાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ ૧૦ માં પ્રથમ આવનાર ખત્રી અક્ષાબાનું કિફાયતભાઈએ શિક્ષણ અંગેની કેટલીક વાતો કરી હતી તેમજ પોતે રોજનું ત્રણ કલાકનું વાંચન અને પરીક્ષાલક્ષી તૈયારી કરતી હતી જેના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર આવ્યો હતો તેથી બાળકોને પણ મહેનત કરી વધુને વધુ આગળ આવવા આહવાન કર્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ મુસ્તાકભાઈ ખત્રી તેમજ સબીરભાઈ ખત્રી દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ઇમરાન ભાઈ ખત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.
પાવીજેતપુર મોહસીને આઝમ મિશનના યુવાનો દ્વારા આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેનાથી પ્રેરિત થઈ સખી દાતાઓ એવા ઈકબાલભાઈ રેંજર, ઈબ્રાહીમભાઇ ખત્રી ( બિલ્ડર ), હબીબભાઈ મફત, આસિફભાઇ કુરેશી વગેરેએ આવતા વર્ષે બાળકોને વધુ પ્રોત્સાહિત કરી શકાય તે માટે દાન આપવામાં આવ્યું હતું.
આમ, પાવીજેતપુર મહસીને આઝમ મિશન દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરી શિક્ષણ પ્રત્યે વધુને વધુ આકર્ષાય અને આવતા વર્ષે તંદુરસ્ત સ્પર્ધા થાય અને બાળકો વધુ ને વધુ આગળ વધે તે હેતુસર સૌ પ્રથમવાર આ વર્ષથી તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.