ડીસાના થેરવાડા જાવલ રોડ ઉપર સોમવારે કારની ટક્કરે બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. કારનું ટાયર ફાટતાં સામે આવી રહેલા બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ભાભર તાલુકાના ધુણસોલ ગામના જોરાજી મફાજી ઠાકોર પોતાનું બાઇક નં. GJ-08-DK-5438 લઇ વિઠોદર તરફ જઇ રહ્યા હતા. ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલી કારનું અચાનક ટાયર ફાટતાં ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.
કાર નં. GJ-08-CC-3429 સામેથી આવતાં બાઇકને ધડાકાભેર અથડાઇ હતી. જેમાં બાઇક ચાલક જોરાજીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા તેમજ લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.