ડીસામાં આખોલ ચોકડી પર દૂધના ટેન્કરે બાઇકને ટક્કર મારતાં બે મિત્રોના મોત નીપજ્યા હતા. રવિવારે રાત્રે સાડા દસ વાગ્યે ડીસા નજીક ધાનેરા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.દુધના ટેન્કરે બે યુવાનને ટક્કર મારી હતી. બંને યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મૃતકોમાં મોટી આખોલના 17 વર્ષના બાદરસિંગ દશરથસિંગ દરબાર અને નાની આખોલના 26 વર્ષીય જગદિશજી સતુજી પરમારના મોત નીપજ્યા હતા. બન્ને યુવાન મહાદેવીયા ગામના લગ્ન પ્રસંગમાંથી બાઈક પર રાત્રે પરત ઘરે ફરી રહ્યા હતા.

આખોલ ચાર રસ્તા પાસેથી ધાનેરા હાઇવે તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રાજેશ્વરી કોલ્ડ સ્ટોરેજ પાસે કંસારી તરફથી આવતાં ટેન્કરએ તેમની બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી. બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટેન્કરનો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો.

મૃતક બાદરસિંગના કાકા મહેશભાઈ ખોડસિંગ દરબારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.