ડીસાના ઝેરડા-ગુગળના પાટીયા નજીક અજાણ્યા વાહનની ટક્કરથી એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો.અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.
ડીસા તાલુકાના રામસણ ગામના જુસબભાઈ મુસલા અને તેમનાં સબંધી મોહમ્મદભાઈ ભાપુભાઈ મુસલા(રહે, સાટવાડા, તા.રાણીવાડા,રાજસ્થાન ) શુક્રવારે પોતાનું બાઈક નં. જીજે-08-સીક્યુ-4706 લઈને ઝેરડાથી પેછડાલ જઈ રહ્યા હતા.
ત્યારે ગૂગળના પાટિયા નજીક અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈક પર સવાર મોહમ્મદભાઈને ડાબા પગ અને કમરના ભાગે ઈજા થઈ હતી. જેમને 108 દ્વારા પહેલા ડીસા સિવિલ અને પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે જુસબભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.જેથી મૃતકના પુત્ર શેરમહમદ જુસબભાઈ મુસલાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.