ડીસા તાલુકાના વાસણા ગામ પાસેથી જીવદયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલું જીપડાલું પકડીને પોલીસને સોંપતા પોલીસે રૂપિયા 3.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડીસાના જીવદયાપ્રેમી અને જાણીતા એડવોકેટની ફરિયાદના આધારે જીપડાલા ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં જીવદયા ક્ષેત્રે કામગીરી કરતા જાણીતા વકીલ હીનાબેન જમનાદાસ ઠક્કરને જુનાડીસા ગામના મગસીભાઇ દેસાઈએ ફોન કરી જણાવ્યું હતું કે, અમે ત્રણ ચાર જીવદયા વાળા મિત્રોએ વાસણા ગામ પાસેથી પીકપડાલાને ઊભું રખાવ્યું હતું. જેમાં બે ભેંસો તથા એક જોટી ભરેલી હતી અને જીપચાલકને પૂછતા તેણે આ ભેંસો ડીસા ગવાડી કતલખાને લઈ જવાતી હોવાનું જણાવ્યું હતું. જેથી હીનાબેન વકીલે તેઓને ડીસા તાલુકા પોલીસ મથકે જીપડાલું લઈને આવવા જણાવ્યું હતું.
જેથી જીવદયાપ્રેમીઓ જીપડાલાને પોલીસ મથકે લાવતા પોલીસે તપાસ કરતા અંદર બે ભેંસો તેમજ એક જોટી કિંમત રૂપિયા 23,000ની મળી આવી હતી. જીપડાલામાં કોઈ પ્રકારના ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કરેલી ન હતી. તેમજ પશુઓના મેડિકલ ચેકઅપ અંગેના કોઈ પ્રમાણપત્રો પણ નહોતા. તેમજ આ પશુઓ કતલખાને લઈ જવા હોવાનું જાણવા મળતા પોલીસે ભેંસો અને ગાડી મળી કુલ રૂપિયા 3.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હીનાબેન વકીલની ફરિયાદના આધારે જીપડાલાચાલક યુસુફ ઈકબાલભાઈ મેમણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.