દાહોદ જિલા સેવા સદન ખાતે સિવિલ ડિફેન્સને ધ્યાને રાખીને કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો  ) કટોકટીના સમયે નાગરીકો સતર્ક અને સજાગ રહે એ માટે સિવિલ ડિફેન્સનું સેટઅપની તૈયારીઓ શરૂ -કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે

આંતરિક યુદ્ધ એ આપણા દેશને અંદરથી ખોખલું કરી નાખે છે, આપણી આસપાસ નવા ચહેરા જોવાય તો તરત જ પોલીસને જાણ કરવી. ડીજે, ડ્રોન અને ફટાકડાના ઉપયોગ ટાળવો તેમજ દરેક નાગરિક સતર્ક રહીને સાથ-સહકાર આપે -પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ ઝાલા

દાહોદ જિલ્લામાં નાગરિક સંરક્ષણ દળમાં (સિવિલ ડિફેન્સ) સ્વયં સેવક તરીકે જોડાવા નોંધણી કરાશે*

દાહોદ : દાહોદ જિલ્લા સેવા સદન ખાતે સિવિલ ડિફેન્સને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માટે નાગરિકોને તૈયાર કરવા માટેના માર્ગદર્શન સહિત ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી.

કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, દાહોદના નાગરિકો પણ માનવ સર્જિત અથવા કુદરતી આફત માટે તૈયાર રહે તે ખુબ જ જરૂરી છે. હાલ યુદ્ધની પરિસ્થિતિને લઈને દરેક નાગરિક જાગૃત રહે, સચેત બને અને કોઇપણ કઠીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહે એ માટે દરેક નાગરિક સ્વયં સેવક બનીને દેશ સેવા માટે પોતાનાથી બનતા પ્રયત્નો કરે અને નાગરીકોનો સાથ-સહકાર તંત્ર અને સરકારને મળે એ અગત્યનું છે. 

નાગરિકોના રક્ષણ માટે સ્વયંસેવકો આગળ આવી પોતાના તરફથી દેશ સેવાના કાર્યોમાં સામેથી જોડાય એ ઇચ્છનીય છે. દરેક ગામમાંથી ૫ થી ૧૦ લોકો સ્વયં સેવક તરીકે જોડાઈ સ્વૈચ્છિક દેશ સેવાકાર્યમાં જોડાય. નાગરીકો સિવિલ ડિફેન્સનો સંદેશ છેલ્લા માણસ સુધી પહોંચે એ માટે યોગ્ય પ્રચાર-પ્રસાર કાર્ય કરીને લોકોને જાગૃત કરવા જોઈએ એમ કહેતા કલેકટરશ્રીએ સિવિલ ડિફેન્સ સંબંધિત જાણકારી આપી હતી. જે પ્રેઝનટેશન દ્વારા રજુ કરવામાં આવી હતી. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ, ફાયર અને આરોગ્ય વિભાગની કામગીરી એ આવી કટોકટીના સમયે સૌથી અગત્યનો ભાગ ભજવતી હોય છે, જેમાં તાત્કાલિક એક્શન લેવાની થતી હોય છે, આવી પરિસ્થિતિમાં નાગરીકો પણ પૂરો સહકાર આપે એ મહત્વનું છે. જેના માટે સ્વયંસેવકોને તાલુકા, ગ્રામ્ય તેમજ જિલ્લા કક્ષાએથી તાલીમ આપવી જરૂરી બને છે. જેથી તમામ વિભાગ આંતરિક કોમ્યુનીકેશન કરીને એકબીજાના સહયોગ થકી કામગીરી કરે તે જરૂરી છે. 

આ દરમ્યાન પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, આંતરિક યુદ્ધ એ આપણા દેશને અંદરથી ખોખલું કરી નાખે છે, આપણી આસપાસ નવા ચહેરા જોવાય તો તરત જ પોલીસને જાણ કરવી. દરેક નાગરિક સતર્ક રહીને સાથ – સહકાર આપે તે ખુબ અગત્યનું છે. દરેક સીટીઝન સ્વયં શિસ્તતા દાખવે તે પ્રાથમિકતા જરૂરી છે. દાહોદવાસીઓએ પોતાની આસપાસ કોઈ નવી તેમજ શંકાસ્પદ વ્યક્તિ આવ્યા હોવાની જાણકારી તરત જ પોલીસને આપે એ મહત્વનું છે. દેશના નાગરિકોને દેશસેવા માટે તૈયાર કરવાના છે. યોગ્ય ટીમ યોગ્ય સમયે પહોંચે તે રીતે પ્લાનીગ કરી એકબીજાના આંતરિક સહયોગ થકી કામ થાય તે મુજબ કામગીરી કરવાની રહેશે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ, ફાયર તેમજ આરોગ્ય વિભાગને પ્રાયોરીટી આપી કામગીરી કરવી.

આવા સંજોગોમાં નાગરીકો ડીજે, ફટાકડા અને ડ્રોનનો ઉપયોગ ના કરે એ ઇચ્છનીય છે. આપણા સૈનિકો આપણી રક્ષા કરે છે તેમને આપણા તરફથી કોઈ મુશ્કેલી ન સર્જાય તેનું ધ્યાન રાખવું એ આપણી પ્રથમ ફરજ છે. ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે બ્લડ એકત્રિત કરવા સૌ નાગરીકો કોઇપણ પ્રકારના પક્ષ, ધર્મ કે જાતિના ભેદભાવ વગર રક્તદાન કરે તેમજ માજી સૈનિકોએ નાગરીકો તેમજ હોમગાર્ડઝને ટ્રેનીંગ આપવા માટે મદદ કરે તેમ જણાવ્યું હતું. 

આ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ.રાવલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાઠોડ, નાયબ માહિતી નિયામકશ્રી રાજ જેઠવા, નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી યશપાલસિંહ વાઘેલા, નગરપાલિકા પ્રમુખશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, અન્ય અધિકારીશ્રીઓ સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકા લેવલના અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.