પાવીજેતપુર પંથકમાં વૃક્ષો ધારાશાયી થઈ જતા ચોફેર રસ્તા બંધ : કેટલાક મકાનો ના છાપરા ઉડ્યા

પાવીજેતપુર શાકભાજી માર્કેટમાં એક લીમડાના વૃક્ષ ઉપર વીજળી પડી

          પાવીજેતપુર પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા અસંખ્ય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હોય જેને લઇ પાવીજેતપુર ને જોડતા આજુબાજુ ગામડાના રસ્તાઓ પણ બંધ થઈ જવા પામ્યા હતા. તેમજ કેટલાક મકાનોના છાપરા પણ વાવાઝોડામાં ઉડી જવા પામ્યા હતા. પાવીજેતપુર શાકભાજી માર્કેટમાં એક લીમડાના વૃક્ષ ઉપર વીજળી પડી હતી. 

          પાવીજેતપુર પંથકના ડુંગરવાંટ વિસ્તારમાં ઘુટિયા ગામે મોડી સાંજે વાવાઝોડું આવવાના કારણે ઈરફાનભાઇ કાદરભાઈ ખત્રીના મકાન ના છાપરા ઉડી ગયા હતા. તેમજ દીવાલોમાં નાખેલા લાકડાઓ પણ નીકળી જતા દીવાલોમાં તિરાડો પડી જવા પામી હતી. દુકાન માલિક પાવીજેતપુર આવેલા હોય ઘરે એમના પત્ની એકલા હોય ત્યારે એકાએક વાવાઝોડું આવતા દુકાને ચીજ વસ્તુ લેવા આવેલા ગ્રાહકોએ મદદ કરી તાત્કાલિક ત્યાંથી નજીકમાં જ મંડળીનું પાકુ મકાન હતું ત્યાં જતા રહ્યા હતા પરંતુ ત્યાં જાય તે પહેલા છાપરા ઉડી જવા પામ્યા હતા. આગળ પાછળ મકાનના બધા છાપરા ઉડી જવા પામ્યા હતા અને મોટું નુકસાન થવા પામ્યું હતું. સદ નસીબે કોઈ જાન હાની થવા પામી ન હતી. એવી જ રીતે બોરકંડા ગામે મોતીભાઈ તુળજીભાઈના મકાન ના છાપરા પણ ઉડી જઈ મોટું નુકસાન થયું હતું. 

           પાવીજેતપુર શાકભાજી માર્કેટમાં મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો ત્યારે એક લીમડાના વૃક્ષ ઉપર વીજળીનો કડાકો થઈ વીજળી પડી હતી. ત્યાં ઉપસ્થિત લોકોએ વીજળી પડતા જે ચિનગારીઓ નીકળી હતી તે જોઈ હતી તેમજ એનો એટલો મોટો ધડાકો થયો હતો કે લોકો ગભરાઈ ગયા હતા. વૃક્ષના થડ ની છાલ નીકળી જવા પામી હતી. કોઈ જાનહાની કે માનવ હાની થવા પામી ન હતી. 

         આમ, પાવીજેતપુર પંથકમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઈ જતા પાવીજેતપુર થી ડુંગરવાંટ તરફ, કલારાણી તરફ, બોડેલી તરફ, છોટાઉદેપુર તરફ ચોફેર રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા હતા. તેમજ ગામડામાં કેટલાય મકાનોના છાપરા ઉડી ગયા હતા.