ફરજ ન આવતી હોવા છતાં લાંચ માંગી હતી અરવિંદ દેસાઇ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે પાલનપુર તાલુકા પોલીસ મથકમાં એક વર્ષ ઉપરાંતના સમયથી ફરજ બજાવે છે. તેની ફરજમાં દબાણના મકાનોનો રિપોર્ટ આપવાની કામગીરી આવતી નથી. છતાં ફરિયાદી પાસેથી લાંચ માંગી હતી. પાંચ વર્ષ અગાઉ નોકરીએ લાગ્યો હતો.

પાલનપુર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કર્મી મુળ અમીરગઢ તાલુકાના ગોડદપુરાનો રહિશ છે. અને હાલ પાલનપુર શહેરમાં રહે છે. જે પાંચ વર્ષ અગાઉ પોલીસમાં નોકરીએ લાગ્યો હતો. પાલનપુર તાલુકા પોલીસ મથકમાં તા. 23 સપ્ટેમ્બર 2022 થી ફરજ બજાવતો હતો. જેનો વર્તમાન સમયે પગાર રૂપિયા 30,000 છે. 

પાલનપુર પાલનપુર તાલુકા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલે અસામાજીક તત્વોના દબાણના મકાનોનો પોઝિટિવ રિપોર્ટ આપવા માટે રૂપિયા 25,000 ની લાંચ માંગી હતી. જેને મંગળવારે બનાસકાંઠા એસીબીની ટીમે ડેરી રોડ નજીકના શેરડીના કોલુ નજીકથી ઝડપી લીધો હતો.

કર્મીએ તેની કારમાં બેસીને લાંચની રકમ સ્વીકારી હતી. જોકે, છટકું હોવાની શંકા જતાં નીચે ઉતરીને નાસી જાય તે પહેલા ટીમે તેને દબોચી લીધો હતો. તાલુકામાં અસામાજીક તત્વોના દબાણમાં બનાવેલા મકાનો તોડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. જ્યાં પાલનપુર તાલુકા પોલીસ મથકમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ભીખાભાઈ આલ (દેસાઈ)એ ફરિયાદીનુ દબાણ ન તોડવા માટે પોઝિટિવ રિપોર્ટ આપવા માટે રૂપિયા 25,000ની લાંચની માંગણી કરી હતી.

આ અંગે બનાસકાંઠા એ. સી. બી. પીઆઇ એન. એચ. મોરએ જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે ડેરી રોડ શિવાલયા સોસાયટીની સામે જાહેર રસ્તા ઉપર શેરડીના કોલા ઉપર છટકું ગોઠવવામાં આવ્યું હતુ. જ્યાં અરવિંદ દેસાઇએ તેની કારમાં બેસીને રૂપિયા 25,000 ની લાંચ સ્વિકારી હતી.ટીમે ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.