અંબાજીમાં બાબરીની વિધિ પતાવી મંગળવારે પરત ફરતા સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના ટેબડા ગામના પરિવારની ઇકોવાન રાણપુર ઘાટીમાં પલટી ગઈ હતી. અકસ્માતમાં આઠ વ્યકિતઓને ઇજા થતાં 108 દ્વારા અંબાજીની આદ્ય શક્તિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે મુસાફરો ગંભીર હોઇ વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા.

પોશીના તાલુકાના ટેબડા ગામનો પરિવાર મંગળવારે અંબાજી ખાતે બાબરીની વિધિ કરવા આવ્યો હતો. જેઓ બપોરના સમયે પરત ફરતા હતા. ત્યારે અંબાજી નજીકના હડાદ માર્ગ પરની રાણપુર ઘાટીમાં ઇકો ગાડીનું ટાયર એકાએક ફાટી જતા વાન ચાલકે કાબુ ગુમાવતાં પલટી ગઇ હતી. અકસ્માતમાં વાનમાં સવાર દસ મુસાફરો પૈકી આઠ મુસાફરો ઘવાયા હતા. જેમાં ત્રીજા ધોરણમાં ભણતો બાળક પણ ગંભીર રીતે ઘવાયો હતો.

અકસ્માતની અંબાજી 108ને જાણ થતા તાત્કાલિક ઇજાગ્રસ્તોને અંબાજીની આદ્યશક્તિ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે મુસાફરોને વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા.ઇકો ગાડી ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી. ત્યારે ગરમીના કારણે ટાયર ફાટ્યું હોવાનું અનુમાન છે. ગરમીને કારણે ટાયર ફાટતાં ઈકો ગાડી પલટી ગઈ હતી.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા.