રાજુલાના રામપરા-૨ ગામ નજીક આવેલ ટોરેન્ટ પાવર કંપનીની પડતર જમીનમાં ભીષણ આગ લાગી..
આગને કારણે વન્ય પ્રાણીઓમા દોડધામ મચી,
રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. રાજુલાના રામપરા-૨ અને ભેરાઇ ગામ વચ્ચે આવેલ ટોરેન્ટ પાવરની કંપનીની પડતર જમીનમાં આગ લાગી હતી. અને બાવળની ઝાડીઓમાં આગ લાગતા જંગલ જેવો ગીચ વિસ્તાર હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતા રાજુલા વનવિભાગ ટીમ ધટના સ્થળે પહોંચી હતી. તેમજ અલ્ટ્રાટેક, સિન્ટેક્સ સહિત કંપનીના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અહીં આ વિસ્તારમાં સિંહ,દીપડા સહિતના વન્ય પ્રાણીઓનો વસવાટ હોવાને કારણે આગ લાગતા વન્ય પ્રાણીઓમાં પણ નાશ ભાગ મચી જવા પામી હતી. અને સવારે ૧૧ વાગ્યે આસપાસ લાગેલી વિકરાળ આગ પર ભારે જહેમત બાદ સાંજે ૫ વાગ્યા આસપાસ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ કાબુમાં આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. કલાકો થી લાગેલ આગને કાબુમાં લેવાં માટે રાજુલા વનવિભાગના IFS ફતેહસિંહ મીણા, રાજુલા ફોરેસ્ટ ગાર્ડ આઇ.વી. ગોહિલ સહિત સ્ટાફગણ દ્વારા ખડેપગે રહી આગ પર કાબુ મેળવ્યો હતો. અને તમામ વન્ય પ્રાણીઓનો બચાવ થયો અને કોઈ પ્રાણીઓને નુકસાન થયું ન હતું..
વીરજી શિયાળ