ડીસાના બનાસ પુલ નજીક સોમવારે વહેલી પરોઢે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નિમ્સ હોસ્પિટલની સામે બનાસ નદીના પુલ નજીક નીલગાય સાથે ધડાકાભેર એક્ટિવા અથડાતાં એક્ટિવા પર સવાર આશાસ્પદ બે યુવકોમાંથી એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે આ બંને જુડવા ભાઇઓ હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસાના વી.જે. પટેલ સબ માર્કેટયાર્ડમાં રમેશકુમાર ગણેશાજી કચ્છવા (માળી) મહાકાલ ટ્રેડર્સની પેઢી ધરાવે છે. જેમાં ડીસા તાલુકાના માલગઢના મામાનગર ખાતે રહેતાં જુડવા ભાઇઓ પ્રદીપકુમાર રમેશભાઇ કચ્છવા (માળી) (ઉં.વ. આ. 22) અને પંકજકુમાર રમેશભાઇ કચ્છવા (ઉં.વ. આ. 22) સોમવારે વહેલી પરોઢે એક્ટિવા નં. GJ-08-DL-9602 પર ડીસાની વી.જે. પટેલ સબ માર્કેટયાર્ડમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન ડીસાના બનાસ પુલ નજીક પર અચાનક એક નીલગાય તેમની એક્ટિવા સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં પ્રદીપકુમાર રમેશભાઇ કચ્છવાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
જ્યારે પંકજકુમાર રમેશભાઇ કચ્છવાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં બંને ભાઇઓને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રદીપકુમાર કચ્છવાને મૃત જાહેર કર્યાં હતા. પંકજકુમાર કચ્છવાની ગંભીર સ્થિતિને જોતાં તેમને વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે પરિવારજનોમાં શોકની કાલીમા પ્રસરી ગઇ હતી. જ્યારે માલગઢ ગામ અને માળી સમાજમાં ઘેરા શોકનો માહોલ છવાયો હતો. જ્યારે ઘટનાના પગલે ડીસા સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે યુવકની લાશને પી.એમ. કરી વાલી વારસોને સુપ્રત કરી હતી.
સબ માર્કેટયાર્ડના આ આશાસ્પદ વેપારી યુવકના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે. જ્યારે અંતિમ યાત્રામાં માળી સમાજ સહીત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્થાનિક લોકોએ રસ્તા પર રખડતાં પશુઓ અને નીલગાયના કારણે થતાં અકસ્માતો રોકવા સરકારને અપિલ કરી છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.