બનાસકાંઠા જીલ્લામાં ભૂસ્તર વિભાગે રેતી માફીયા સામે મોટી કાર્યવાહી કરી છે. બુકોલી જમણા પાદર બનાસ નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનને રોકવા માટે વિભાગે દરોડા પાડ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન વિભાગની ટીમે એક હીટાચી મશીન અને 12 ડમ્પર જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા તમામ વાહનો અને મશીનની કિંમત અંદાજે રૂ. સાડા ચાર કરોડ છે.

કાંકરેજના ધારાસભ્યની રજૂઆતના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્યે બનાસ નદીમાં થઇ રહેલા ગેરકાયદેસર ખનન અંગે ભૂસ્તર વિભાગને માહિતી આપી હતી.

આ અંગે બનાસકાંઠાના ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહ સારસ્વતે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગે ખોદકામ કરાયેલી જગ્યાની માપણી કરી છે. ગેરકાયદેસર ખનનમાં સંડોવાયેલા લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. ભૂસ્તર વિભાગે આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક પગલાં લેવાનો નિર્ધાર કર્યો છે.