પાલનપુર નજીક આવેલા સદરપુર ગામમાં રહેતા અને ખેત મજૂરી કરતા ભાગીયાની થોડા દિવસ અગાઉ હત્યા થઈ હતી.જેની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચને અપાયા બાદ ગુનાનો ભેદ ઉકેલી ત્રણની અટકાયત કરવામાં આવી છે.

ભાગિયાની 40 હજારની સોપારી આપી ભાડુતી હત્યારાઓ દ્વારા હત્યા કરાઈ હતી, પાડોશી ખેતર માલિકે બાથરૂમ જવા, કચરો ફેંકવા જેવી સામાન્ય બાબતમાં અન્ય ભાગિયા પાસે હત્યા કરાવી દીધી હોવાનું ખુલ્યું છે. મૃતક ભાગિયાના ખેતર માલિકનો સગો ભાઇ ગણેશ ગામીએ 2 જણને સોપારી આપી હતી.

પાલનપુર તાલુકાના સદરપુર ગામમાં રહેતા અને ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવતા કિરીટભાઇ મંગળવારના રોજ સાંજના આશરે આઠેક વાગ્યાના સુમારે દૂધ ડેરીમાં દૂધ ભરાવી તેમના શેઠને પાલનપુર બેચરપુરા ખાતે મૂકી તેમનું એકટીવા લઈ તેઓના ભાગ બાંધેલ ખેતરે સદરપુર આવતા હતા તે સમયે ગામ નજીક કોઇ અજાણ્યા શખ્સોએ તેમના ઉપર હુમલો કરી માથાના ભાગે ત્રણ ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમજ ડાબા હાથે કોણી અને કલાઇની વચ્ચે પણ માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

ઘટના સ્થળે પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજા દિવસે કિરીટભાઈનું મોત થયું હતું. જેથી હત્યાની કલમ ઉમેરી દેવાઈ હતી. જેની તપાસ બનાસકાંઠા એલસીબીને સોંપવામાં આવી હતી. એસ.પી.અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, હત્યાની ઘટના બાદ જુદી જુદી ટીમો બનાવી તપાસ કરાઇ હતી. જેમાં પાલનપુર એલસીબી તેમજ સાયબર ક્રાઈમ અને પેરોલ ટીમ પણ કામે લાગી હતી. જેમાં પોલીસને સફળતા મળી હતી. જેમાં કિરીટભાઈની હત્યા કરનાર ત્રણ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓ

1: મુખ્ય આરોપી ગણેશભાઇ ભીખાભાઇ ગામી (પટેલ) રહે.પાલનપુર તથા શંકરભાઇ

2: મેનાભાઇ ડુંગાચીયા

3: ચકુરાભાઇ ઉર્ફ ચકુડો સમાભાઇ ભગોરા રહે.ખાટચીતરા (ખાપા) તા.અમીરગઢ

ફરાર આરોપીઓ :

1: સંજુભાઇ અમરાભાઇ ભગોરા રહે.ખાટચીતરા (ખાપા) તા.અમીરગઢ ( માર મારનાર )

2: દિનેશભાઇ ધનાભાઇ ભગોરા રહે.ઉપલા ખાપા તા.અમીરગઢ ( માર મારનાર )

આ અંગે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, મૃતક કિરીટ ભાઈ ઉર્ફે ફુલાભાઈ કાવજીભાઈ ખરાડી (મૂળ રહે.ગેડ તા.મેઘરજ જી.અરવલ્લી) છેલ્લા 20 વર્ષથી સદરપુર ગામમાં અમરતભાઈ ભીખાભાઈ ગામી (પટેલ)ના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો હતો. અને એક વર્ષ પૂર્વેના સીસીટીવીમાં જોવા મળ્યું કે આરોપીએ ભાગીયાને કોઈને 2 લાખની સોપારી આપીને મારે નાખવાની ધમકી આપી હતી. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા 150 થી વધારે સી.સી.ટી.વી. ફૂટેજ 215 થી વધારે શંકાસ્પદ વાહનો ચેક કરી ગુનો શોધી કાઢવામાં આવ્યો છે. આરોપી ગણેશભાઈ ભીખાભાઈ ગામી બાર મહીના અગાઉ સદરપુર ગામની ડેરી ઉપર મૃતકને બે લાખ આપી મારી નખાવવાની ધમકી આપી હોવાનુ જણાઈ આવતા ગણેશભાઈની ઉલટ તપાસ દરમ્યાન ભેદ ખુલી ગયો હતો..! 

સદરપુરમાં આરોપીનું ખેતર અને તેના ભાઈનું ખેતર બાજુબાજુમાં હોવાથી ભાગીયા સાથે નાનામાં નાની વાતોમાં આરોપીને સંઘર્ષ થતો હતો. જેમાં પાણીના નળ, બાથરૂમના ઉપયોગ, મસાલો ખાઈ થુકવુ વિગેરે બાબતથી તેનાથી કંટાળી જઈ તેમના ત્યાં કામ કરતા ભાગીયા શંકરભાઈ મેનાભાઈ ડુંગાચીયા અને ચકુરાભાઈ ઉર્ફે ચકુડો સમાભાઈ ભગોરા (રહે.ખાટચીતરા (ખાપા) તા.અમીરગઢ સાથે મળી મારી નખાવવાનું કાવતરૂ રચ્યું હતું.