૫ એપ્રિલ ૧૯૧૯ ના રોજ ભારતીય સ્ટીમર એસ.એસ.લોયલ્ટી મુંબઇથી લંડન જવા રવાના થઈ હતી, એ પ્રસંગની યાદમાં ભારત સરકારના મર્કેન્ટાઇલ મરીન વિભાગ દ્વારા દર વર્ષે પ એપ્રિલના રોજ નેશનલ મેરીટાઇમ ડે ની ઉજવણી કરવામાં આવે છે.

જેમાં આ વર્ષે "સમૃદ્ધ સમુદ્ર વિકસીત ભારત" ની થીમ પર આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના અનુસંધાને તા.૧૬ માર્ચના રોજ બાલાચડી બીચ ખાતે દરિયા કિનારાની સાફ સફાઈનું આયોજન નેશનલ મેરીટાઇમ ડે સેલીબ્રેશન કમીટી જામનગર દ્વારા કરવામાં આવ્યું હતુ.જેમાં દરિયાકિનારા પરથી પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો એકત્ર કરી તેનો નિકાલ કરાયો હતો.

સાથે જ દરિયા કિનારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જામનગરમાં શીપીંગ વ્યવસાય સાથે સંકળાયેલ લોકો, એસ.પી.મરીન એકેડેમી માણાવદરના વિદ્યાર્થીઓ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની વિદ્યાર્થીનીઓ, હુન્નરશાળા જોડીયાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે નેશનલ મેરીટાઇમ ડે સેલીબ્રેશન કમીટી જામનગરના ચેરમેન શ્રી આશીષ વાનખેડે, સર્વેયર ઇન ચાર્જ મર્કન્ટાઇલ મરીન ડીપાર્ટમેન્ટ જામનગર તેમજ કમીટીના સભ્યો શ્રી બી.કે.સાબુ, કેપ્ટન અનીરૂદ્ધ, કેપ્ટન વિકાસ, નીલેશ દવે,આદમ ભાયા, શ્રીધરભાઈ, સુધીરભાઈ વછરાજાની અને સૈનિક સ્કુલ બાલાચડીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.