ભાભર તાલુકાના મીઠા ગામે ગાડીની ટક્કરથી 7 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું.અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતાં બાળકી રોડની સાઇડમાં ફંગોળાઇ ગઇ હતી. ગાડીના ચાલક વિરુદ્ધ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
ભાભર તાલુકાના મીઠા ગામના હેમજીજી હમીરજી ઠાકોર શનિવારે બપોરે ભાભર-મીઠા હાઇવે પર ખેતરમાં બનાવેલ ઘર આગળ બેઠા હતા. તે વખતે ઘરના દરવાજા આગળ ભાઇની સાત વર્ષની દીકરી માહી અરવિંદભાઇ ઠાકોર ઉભી હતી.તે દરમિયાન મીઠા તરફથી આવતી ગાડી નં. જીજે-08-સીઆર-4507 ના ચાલકે અડફેટે લીધી હતી. ગાડીની ટક્કરથી માહી રોડની સાઇડમાં ફંગોળાઇ ગઇ હતી.
આ ઘટનાને જોઇ પરિવારજનો દોડી આવ્યા હતા અને માહીબેન બેહોશ હાલતમાં પડી હતી. તેના જમણા પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરિવારજનો તેને ખાનગી વાહન દ્વારા ભાભર સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા.
જ્યાં ફરજ પરના ડોક્ટરે માહીબેનને મૃત જાહેર કરી હતી. મૃતકના કાકા હેમજીજી હમીરજી ઠાકોરે ગાડીના ચાલક વિરુદ્ધ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.