અમીરગઢના કાળી માટી ગામ નજીકથી જીવદયાપ્રેમીઓએ 15 પશુઓ ભરેલ ટ્રક ઝડપી પાડ્યું હતું. તમામ પશુઓને ડીસાની કાંટ પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા. જ્યારે ચાલક ટ્રક મુકીને ફરાર થઇ ગયો હતો.
અમીરગઢ તાલુકાના ડાભેલા ગામના જીવદયા પ્રેમી આબુરાજસિંહ યુવરાજસિંહ ડાભી તેમના મિત્ર રાજુભાઇ અગરાજી ઠાકોર અને નાગજીભાઇ રામજીભાઇ પરમાર ગુરૂવારની રાત્રે 3 વાગ્યાની આસપાસ પાલનપુરથી અમીરગઢ બાજુ આવી રહ્યા હતા. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પાલનપુર બાજુથી આબુરોડ તરફ જઇ રહેલા ટ્રક નં. જીજે-24-એક્સ-4752 નો અમીરગઢના કાળીમાટી ગામથી પીછો કરતાં ટ્રક ચાલક અમીરગઢ ચેકપોસ્ટ નજીક ટ્રક મૂકીને નાસી ગયો હતો.
ટ્રકના પાછળના ભાગે જોતા તેમાં ખીચોખીચ 15 પશુઓ બાંધેલા હતા. અને ગૌરક્ષક આબુરાજસિંહે અમીરગઢ પોલીસને જાણ કરતાં પોલીસના માણસો પણ આવી ગયા હતા. અને આ ટ્રકની અંદર ઘાસચારો કે પાણીની કોઇ સુવિધા ન હતી. પોલીસે 15 પશુઓ અને ટ્રક સહીત રૂ. 6.55 લાખનો મુદ્દામાલ કબજે કરી, ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે તમામ પશુઓને ડીસાની કાંટ પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા.