*કેમ્પના માધ્યમથી 4 દિવસમાં 50 હજારથી વધુ યાત્રાળુઓને રેડિયમ રીફલેક્ટર લગાવાયા*

આર.ટી.ઓ.કચેરી જામનગર, જિલ્લા ટ્રાફિક પોલીસ તથા જિલ્લા હોમગાર્ડ દ્વારા ફુલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકા જતા પદયાત્રીઓની સલામતી માટે નાઘેડી ગામના પાટીયા પાસે રેડિયમ રિફ્લેકટર લગાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગત ચાર દિવસમાં અંદાજીત 50 હજારથી વધુ યાત્રાળુઓને રેડિયમ રીફલેક્ટર લગાવવામાં આવ્યા છે.આ માટે રોટરી ક્લબ ઓફ છોટીકાશી તથા જામનગર જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટનો પણ સહયોગ મળેલ છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા દ્વારકા મંદિરે પહોંચે છે ત્યારે હાઇવે પર વાહનોની ભારે અવરજવરને લઈ રાત્રે અકસ્માતનો ભય રહે છે.આથી અકસ્માતમાં ઘટાડો કરી શકાય અને યાત્રાળુઓની સલામતી જળવાઈ રહે તે માટે યાત્રાળુની પીઠ પર અથવા તો તેઓના સામાન પર કેમ્પના માધ્યમથી વિનામૂલ્યે રેડિયમ રિફ્લેટર લગાવવાના આયોજન કરવામાં છે.સાથે જ સ્વૈચ્છીક સંસ્થાઓ તથા આસપાસના ગામ લોકોના સહયોગથી અહી ચા-નાસ્તો તથા આરામ માટે ૧૦૦ જેટલી પથારીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.સતત ત્રણ વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

આ કેમ્પને સફળ બનાવવા આર.ટી.ઓ.શ્રી કે.કે.ઉપાધ્યાય, હોમગાર્ડસ કમાન્ડન્ટ શ્રી ગિરીશ સરવૈયા, આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર શ્રી જે.જે.ચુડાસમા, કે.જી.મેર તથા એન.ડી.આંબલીયા, ટ્રાફિક ઇન્સપેક્ટર શ્રી એમ.બી. ગજ્જર, ડો.મેહુલભાઈ ખાખરીયા, ટ્રસ્ટશ્રી ટ્રાફિક એજ્યુકેશન, નરેન્દ્રભાઈ મેનેજરશ્રી રાજકોટ-વાડીનાર ટોલ વે, રોટરી ક્લબ ઓફ છોટી કાશીના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ રૂપારેલિયા, હરીશભાઈ કેશવાલા, સાગરભાઇ શાહ, ડો.સ્મિતાબેન રૂપારેલીયા, વર્ષાબેન ઓડેદરા, મિતલબેન પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.