ડીસા જી.આઇ.ડી.સી.ની નવકાર ડેરી પ્રોડક્ટમાંથી રૂ. 17.50 લાખનું 4 હજાર કિલો ગાયનું શંકાસ્પદ ઘી પાલનપુર ફૂડ વિભાગે જપ્ત કર્યું છે. અહીં ડીસા જી.આઇ.ડી.સી.માં આવેલી શ્રી નવકાર ડેરી પ્રોડક્ટસમાં અખાદ્ય ઘી બનતું હોવાની બાતમીના આધારે પાલનપુર ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી ગૌમુખ અને જયવર્ધન સહીત જૂદા-જૂદા બ્રાન્ડના પેકીંગમાં ગાયનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો.
આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ડીસાના જી.આઇ.ડી.સી.માં આવેલી સંજય બાબુલાલ મહેસુરીયાની નવકાર ડેરી પ્રોડક્ટમાંથી રૂ. 17.50 લાખનું 4 હજાર કિલો ગાયનું શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે અને જૂદી-જૂદી બ્રાન્ડના સેમ્પલ લઇને લેબમાં પરીક્ષણ અર્થે મોકલવાની કામગીરી કરવામાં આવી છે. જેનું લાયસન્સ અગાઉ રદ કર્યું હતું, છતાં કાયદાના ઉપરવટ થઇને ઘી બનાવતાં હોવાની માહિતી મળતાં જ ફૂડ વિભાગે રેડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, શંકાસ્પદ ઘી માટે આકર્ષક લેવલિંગ માટે અમદાવાદની પ્રિન્ટિંગ પ્રેસમાં મટીરીયલ છપાવતા હતા. રાજસ્થાનમાં હોળીના તહેવાર પર મોટી માત્રામાં જૂનો જથ્થો અંતરિયાળ ગામોમાં સપ્લાય કરવાનો હતો એટલે એક સાથે આટલો બધો મુદ્દામાલ એક જ પેઢીમાંથી મળી આવ્યો હતો. પેઢી માલિક સંજય મહેસુરીયા ડીસાના ઘી, તેલ ઉત્પાદકોનો તમામ વહીવટ પોતે ચલાવતો હતો, નામ ન આપવાની શરતે
આ અંગે ડીસા જી.આઇ.ડી.સી.ના એક વેપારીએ જણાવ્યું હતું કે, સંજય મહેસુરીયા ઘી, તેલના એસોસિયેશનનો તમામ વહીવટ પોતે કરતો હતો અને મોટાભાગે રાત્રિના સમયે એક પ્રોડક્શન કાર્ય ચાલતું હતું.