પાવીજેતપુર હાઈસ્કૂલના આચાર્ય સંજય શાહની વિદાય પર શાળા પરિવારનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો

        શિક્ષણ, સેવા, સમર્પણ, સહિષ્ણુતા અને શાંતિના પંચામૃત સંસ્કારોનું સિંચન કરતી શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ, પાવીજેતપુર ના પ્રખર અને પ્રભાવશાળી આચાર્ય શ્રી સંજયકુમાર પરસોત્તમદાસ શાહ છેલ્લા ૨૭ વર્ષથી આ શાળાને પોતાની જહેમત અને દ્રઢ ઇચ્છાશક્તિ દ્વારા શિરમોર બનાવતા રહ્યા હોય. તેઓની માર્ગદર્શિકા અને વહીવટી કુશળતાએ શાળાને માત્ર તાલુકા અને જિલ્લામાં જ નહીં, પણ રાજ્ય કક્ષાએ પણ આગવી ઓળખ અપાવી છે. હવે તેઓ વયમર્યાદાને કારણે નિવૃત થઈ રહ્યા છે, ત્યારે શાળા પરિવાર, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો.

          આ સન્માન સમારંભમાં છોટાઉદેપુરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા તથા જિલ્લા શિક્ષણ અધિકારી પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ શ્રી સંજય શાહ ના શિક્ષણક્ષેત્રે અપાયેલા અભૂતપૂર્વ યોગદાનને બિરદાવી તેઓની કાર્યશૈલી, સંગઠન કુશળતા અને શિક્ષણપ્રત્યેની નિષ્ઠાને વખાણી હતી. શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું કે, "શિક્ષક માત્ર જ્ઞાનદાતા નહીં, પણ સમાજના ઘડવૈયા હોય છે, અને સંજય શાહે છોટાઉદેપુર જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્રમાં અદ્વિતીય છાપ મૂકી છે."

          આચાર્ય સંજય શાહની વિદાયની ક્ષણે શાળા પરિવારની ભાવુકતા જોતાં જ એક અલગ ઉર્જા જોવા મળી હતી. શાળા સંચાલક મંડળ, સહકર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તેમને શાલ, ફૂલહાર, મોમેન્ટો અને સંસ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યા. સંસ્થાના વરિષ્ઠ શિક્ષક રાજુભાઈ શાહે સંજય શાહની શિક્ષણપ્રત્યેની દૃઢ પ્રતિબદ્ધતા, સંસ્થા વિકાસ માટેની દ્રષ્ટિ અને વહીવટી કુશળતા ની વિશેષ પ્રશંસા કરી હતી. વિદાય સમયે સંજય શાહ સાહેબે તેમની ૨૭ વર્ષની યાત્રા વિશે સંસ્મરણો રજૂ કર્યા અને શાળા પરિવાર પ્રત્યે આદર તથા કૃતજ્ઞતા વ્યક્ત કરી. તેઓએ કહ્યું, "આ શાળા માત્ર એક સંસ્થા નહીં, પણ મારી લાગણી અને જીવનધર્મ બની ગઈ હતી. અહીંના દરેક વિદ્યાર્થીમાં દેશના ભાવિ નિર્માતા છુપાયેલા છે. હું શિક્ષક તરીકે શાળાને જે આપી શક્યો તેનાથી ઘણું વધુ હું શાળાથી શીખી શક્યો છું." તેમણે વિદ્યાર્થીમિત્રો માટે એક સંદેશ આપતા કહ્યું, "શિક્ષણ એ માત્ર વિષયજ્ઞાન નહીં, પરંતુ એક સંસ્કાર છે. તે તમને સારી નોકરી જ નહીં, પણ સારો માણસ બનાવે છે. મહેનત અને આદર્શોને જીવનમાં અપનાવશો તો સફળતા તમારા પગલાં ચુંબશે."

         શાળા સંચાલક મંડળના પ્રમુખ અતુલભાઇ શાહે જણાવ્યું કે, "સંજય શાહ સાહેબે શાળાને એક નવો આયામ આપ્યો છે. તેમની દુરંદેશી અને સંસ્થાની સમૃદ્ધિ માટે આપેલા યોગદાનને શાળા ક્યારેય ભૂલી શકશે નહીં."

      આ કાર્યક્રમમાં પાવીજેતપુર કેળવણી મંડળના હોદ્દેદારો, તાલુકા અને જિલ્લા શિક્ષણવિદો, સ્થાનિક અગ્રણીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વિદ્યા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તેઓએ સંજય શાહ ની આવનારી જીવનયાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ સમયે છોટાઉદેપુર જિલ્લાની શાળાના આચાર્યો તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંજયભાઈ શાહનું સન્માન કર્યું હતું.