દાંતીવાડા તાલુકાના ખેડા ભાખર ગામના ખેડૂત મંગળવારે રાત્રે બાઇક લઇ ડીસાથી તેમના ઘરે જઇ રહ્યા હતા. દરમિયાન ડીસા ચિત્રાસણી હાઇવે ઉપર નાની ભાખર નજીક કોલ્ડ સ્ટોરેજ આગળ અચાનક આવેલા આખલાએ બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત ખેડૂતનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ.આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે.
દાંતીવાડા તાલુકાના ખેડા ભાખર ગામના ભવાનજી મગનજી ઠાકોર (ઉ.વ. 58) મંગળવારે રાત્રે પોતાનું બાઇક લઇ ડીસાથી ઘરે જઇ રહ્યા હતા. ત્યારે ડીસા -ચિત્રાસણી હાઇવે ઉપર નાની ભાખર નજીક કોલ્ડ સ્ટોરેજ આગળથી રોડ ઉપર અચાનક આવેલો આખલો બાઇક સાથે અથડાયો હતો. અકસ્માતમાં ભવાનજી રોડ ઉપર પટકાયા હતા.જેમને ગંભીર ઈજા થઈ હતી.
આ બનાવને લઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને 108 દ્વારા ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જોકે, ફરજ ઉપરના તબીબે ભવાનજીને મૃત જાહેર કર્યા હતા. ભવાનજીના મોતથી પરિવારમાં બે દીકરા અને બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
બનાસકાંઠા જીલ્લામાં એક વર્ષમાં રખડતા પશુઓના કારણે 21 અકસ્માતો સર્જાયા હતા. જે પૈકી ડીસાના બાઇવાડા, માલગઢ, પાલનપુરના મેરવાડા, વડગામના જલોત્રા, છાપી વિસ્તારના 7 યુવકોના મોત થયા હતા.
આ અંગે પાલનપુરના વકીલ સેનજીજી દેલવાડીયાએ જણાવ્યું કે, શહેરોમાં પાલિકા દ્વારા રખડતાં પશુઓ પકડીને પાંજરાપોળમાં મુકવાનો નિયમ છે. જોકે, હાઇવે ઉપર પશુઓને પકડવામાં આવતા ન હોઇ જીવલેણ અકસ્માતોનું કારણ બની રહ્યા છે. ત્યારે હાઇવે ઉપરના પશુઓને પકડવા માટે પણ સરકારે નિયમ બનાવવો જોઇએ.