તળાજા તાલુકાના ટીમાણા ગામે ઉર્ષ પ્રસંગે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી દરમ્યાન મામલો બીચકતા બે પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી. આમારામારીમાં યુવાનને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેનું ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજતા મારામારીનો બનાવ હત્યામાં તબદીલ થતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ઘટનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. જ્યારે મૃતકના પરિવારજનો દ્વારા બનાવમાં સામેલ શખ્સો ન ઝડપાયા ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવા નિર્ણય જાહેર કરતા પોલીસે સમજાવટનો દોર હાથ ધર્યો હતો. પાલીતાણામાં રહેતા મૂળ ટીમાણાના લોકો ટીમાણા ગામે યોજાયેલા ઉર્ષ પ્રસંગે ગયા હતા ત્યારે ત્યાં અન્ય પક્ષના લોકો સાથે બોલાચાલી દરમ્યાન મામલો બીચકતા મારામારી સર્જાઈ હતી. આ મારામારીમાં હાજીશા ભીખુશા મોગલ નામના યુવાનને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

    આ અંગે અંગે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે મારામારીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ગંભીર ઈજા પામેલ હાજીશા મોગલનું ચાલુ સારવારમાં મોત નીપજતા પોલીસે અગાઉ મારામારીની ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવા અને ઘટનામાં સામેલ શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.તો બીજી બાજુ મૃતક હાજીશા મોગલના પરિવારજનોએ બનાવમાં સંડોવાયેલા શખ્સો જ્યાં સુધી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય પોલીસ સમક્ષ જાહેર કરતા પોલીસે સમજાવટનો દોર હાથ ધર્યો હોવાનું જાણવા મળ્યું હતું