અંબાજીના માર્બલના વેપારીએ રાજસ્થાનમાં આબકારી વિભાગમાં પકડાયેલ ગાડી સસ્તા ભાવે લેવા રૂ. 31.50 લાખ ગુમાવ્યા હતા. ટ્રક, ફોર્ચુનર અને અર્ટીગા ગાડીના નામે બે અમદાવાદી અને એક અંબાજીનો ગઠીયો તેમને છેતરી ગયો હતો.

અંબાજીમાં શ્રી રાજ રાજેશ્વરી માર્બલ એન્ડ મિનરલ તથા ગજાનંદ માર્બલ ટ્રેડર્સનું કારખાનું ચલાવતા ધવલકુમાર અરવિંદભાઇ પટેલ વર્ષ-2021 માં વડોદરા રહેતાં મિત્રને ગાડી બાબતે વાત કરતાં ધવલકુમાર તેમના પિતા અને મિત્ર સાથે આબુરોડ તથા રાણીવાડા ગાડીઓ જોવા ગયા હતા. જેથી વડોદરાના મિત્રે અમદાવાદના નરોડામાં રહેતાં સુરજ નારાયણ ચતુર્ભુજ શર્માનો સંપર્ક કરાવ્યો હતો.

જે બાદ સુરજ અને અંબાજીનો જયેશ સોમાભાઇ ઠાકોર બંને ધવલકુમારને મળીને કહ્યું કે, અમે રાજસ્થાનમાં આબકારી વિભાગની પકડાયેલી ગાડીઓની ડીલિંગ કરીને સસ્તા ભાવે વેચાણે આપીએ છીએ તેમ કહીને ટ્રક લેવાની વાત કરી હતી. ત્યારે ધવલકુમારે સુરજ નારાયણ ચતુર્ભુજ શર્માને રૂ. પાંચ લાખ આપ્યા હતા. બીજા દિવસે અંબાજીનો જયેશ આવીને ફોર્ચુનર કારનો ફોટો બતાવી રૂ. 2 લાખ લઇ ગયો હતો. જેના બાદ અર્ટીગા કારનો ફોટો બતાવી તે વખતે રૂ. ત્રણ લાખ લઇ ગયો હતો.

જે બાદ અલગ-અલગ ગાડીઓ ખરીદવા બે માસ જેટલાં સમયમાં સુરજ નારાયણ ચતુર્ભુજ શર્મા અને રવિ સુરજભાઇ શર્મા (બંને રહે.નરોડા-અમદાવાદ), અંબાજી જૈન દેરાસર નજીક રહેતાં જયેશભાઇ સોમાભાઇ ઠાકોરે રૂપિયા લઇ ગાડી ન આપી ધવલકુમાર અરવિંદભાઇ પટેલ સાથે રૂ. 31,50,000 ની છેતરપિંડી કરતાં તેમણે શુક્રવારે અંબાજી પોલીસ સ્ટેશને સુરજ નારાયણ ચતુર્ભુજ શર્મા, રવિ સુરજભાઇ શર્મા, અંબાજી જૈન દેરાસર નજીક રહેતાં જયેશભાઇ સોમાભાઇ ઠાકોર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.