દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે સીંગવડ ખાતે થયું રિહર્સલ ધ્વજવંદન કરવાની સાથોસાથ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ થઈઃ ગૌરવપૂર્ણ માહોલમાં રાષ્ટ્રીય પર્વ ઉજવવા વિભાગોને અપાઈ સૂચના ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )દાહોદ : દાહોદ જિલ્લામાં ૭૬ મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના દિશા-નિર્દેશમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની સીંગવડ ખાતે થનારી ઉજવણી પૂર્વે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અઘ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
રિહર્સલ નિમિત્તે કલેકટર શ્રી યોગેશ નિરગુડેએ ધ્વજ વંદન કરીને તિરંગાને સલામી આપી હતી, ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ ઝાલા સાથે પોલીસ, હોમગાર્ડ, અશ્વ દળ, જીઆરડી અને એન.સી.સી. કેડર્સ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું સન્માન તેમજ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ દરમ્યાન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિને કલેક્ટરશ્રીએ નિહાળી હતી.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તેના મિનિટ ટુ મિનિટ ધ્વજ વંદન રિહર્સલ કાર્યક્રમને કલેક્ટરશ્રીએ નિહાળીને જરૂરી સૂચનો પણ કર્યા હતા. રિહર્સલના આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ ઝાલા તેમજ નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ સહિત પ્રાંત અધિકારીશ્રી તેમજ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.