પાલનપુર તાલુકાના ચંડીસર પુલ પરથી જીવદયાપ્રેમીઓએ 17 પશુઓ ભરેલ ટ્રક ઝડપી તમામ પશુઓને ડીસાની કાંટ પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા. જ્યારે ટ્રક અને તેના ચાલકને ગઢ પોલીસને સોંપવામાં આવ્યા હતા.
પાલનપુર તાલુકાના મડાણા(ડા) ગામના જીવદયા પ્રેમી રાહુલકુમાર લાડજીજી ઠાકોર શનિવારની રાત્રે 10 વાગ્યાની આસપાસ ચંડીસર ના વિરાટ કોમ્પ્લેક્સમાં જીવદયા પ્રેમી મિત્રો સાથે બેઠા હતા. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ચંડીસરના ઓવરબ્રિજ પર ડીસા તરફથી આવતી આઇસર ટ્રક નં. જીજે-08-એડબલ્યુ-4650 ને ઉભી રખાવી પાછળના ભાગે જોતા તેમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક ચામડી ઘસાય તે રીતે 16 ભેંસ અને 1 પાડો બાંધેલ હતા. અને ગઢ પોલીસને જાણ કરતા પોલીસના માણસો પણ આવી ગયા હતા. અને આ આઈસર ટ્રકની અંદર ઘાસચારો કે પાણીની કોઈ સુવિધા ન હતી.
પોલીસે 17 પશુઓ અને ટ્રક સહિત રૂ. 11.70 લાખનો મુદ્દામાલ કબજે કરી, ચાલક આશીફખાન અનવરખાન પઠાણ( રહે.બીડી કામદાર ગવાડી ડીસા, મુળ રહે.ચિત્રાસણી તા.પાલનપુર) ખલાસી સલીમ ઈસ્માઈલ કુરેશી( રહે,અમનપાર્ક કોલોની ડીસા)ની અટકાયત કરવામાં આવી હતી.જ્યારે તમામ પશુઓને ડીસાની કાંટ પાંજરાપોળ ખાતે મુકવામાં આવ્યા હતા.