ડીસાના વડાવળમાં અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લે નહીતર ખોટી ફરિયાદો કરાવી ફસાવી નાખવાની ધમકી આપી ઘરની આગળ લગાવેલી સી.સી.ટી.વી. કેમેરા તથા શેડની દિવાલ તોડી નાખ્યા હતા. છતાં ભીલડી પોલીસ દ્વારા ફરિયાદ ન લેતા અરજદારે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને હાઇકોર્ટ દ્વારા હુકમ કરાતા 6 શખ્શો વિરદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

ડીસાના વડાવળ ગામના વતની અને હાલ અમદાવાદના બોપલમાં રહેતા વજાજી ભુરાજી સાંખલા તા. 13 ઓગષ્ટ-2024 ના રોજ પોતાના ઘેર વડાવળ હતા. ત્યારે તેમના પાડોશી સોમાજી જેરૂપજી સાંખલા, મહેશજી સોમાજી સાંખલા, મોતીજી જેરૂપજી સાંખલા અને કેશાજી જેરૂપજી સાંખલા સહિતના લોકોએ શેડની દિવાલ તોડવા લાગ્યા હતા.

જેથી વજાજીએ દિવાલ તોડવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ હોબાળો કરી કહેવા લાગ્યા કે, તે અમારા બનેવી અને અમારા ઉપર અગાઉ બોપલમાં કરેલી ફરિયાદો પાછી ખેંચી લેજે નહીતર તને ખોટી ફરિયાદો કરાવી ફસાવી દઇશું અને તને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી જતા રહ્યા હતા. ત્યારબાદ તા.21 ઓગષ્ટએ વજાજીએ પોતાના ફોનમાં સી.સી.ટી.વી. કેમેરાનું લાઈવ જોતા તલાજી લોખંડના સળીયા વડે વજાજીનાં ઘરે લગાવેલ કેમેરા તોડી દઈ નુકશાન કર્યું હતું.

આ તમામ લોકો વજાજીનાં માલીકીની વડાવળ ગામની સીમમાં આવેલ જમીનમાં જવાનો રસ્તો સોમાજી તથા કેસાજીના ખેતરમાંથી જતો હોઈ જેથી આ લોકો ત્યાંથી વજાજીને જવા દેતા નથી કે વાવેતર કરવા દેતા નથી અને આ વજાજી પોતાની માલીકીની જમીનમાં વાવેતર કરવા જાય ત્યારે જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.