ડીસાની મોઢેશ્વરી સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈએ પરિવારના સભ્યોને આવરી લેતી મેડીક્લેમ વીમા પોલિસી નેશનલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી લીધેલી હતી. ત્યારે તેમની પત્નીને ઘૂંટણની સારવાર પાછળ રૂ. 2.98 લાખનો ખર્ચ થતાં મેડીક્લેમ વીમા પોલિસી હોવા છતાં વીમા કંપનીએ ક્લેમ ના મંજૂર કરી 1 લાખ જ પાસ કરતાં ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરાઇ હતી. જેથી ગ્રાહકને ક્લેમના રૂ. 1.98 લાખ ચૂકવવા વીમા કંપનીને આદેશ કરાયો હતો.
ડીસાની મોઢેશ્વરી સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ મફતલાલ કીરીએ પોતાનો તેમજ પરિવારના સભ્યોને આવરી લેતી મેડીકલેમ વીમા પોલિસી નેશનલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લીધેલી હતી. જે પોલિસી અમલમાં હતી તે દરમિયાન તેમના પત્નીને ઘૂંટણમાં તકલીફ હોઈ સારવાર પાછળ રૂ. 2,98,994 નો ખર્ચ થતા તેઓએ વીમા કંપનીનો સંપર્ક કરી વીમા કંપનીના માંગ્યા મુજબના તમામ દસ્તાવેજો સુપ્રત કરતા રૂ. 2,98,994 નો વીમા ક્લેમ મુક્યો હતો.
જોકે, વીમા કંપનીએ માત્ર એક લાખ રૂપિયા ચૂકવી આપતા તેઓએ કારણ પૂછતા વીમા કંપનીએ યોગ્ય કારણ આપ્યા વગર જ ગ્રાહકની કોઈ રજૂઆત સાંભળી નહીં. જેથી ગ્રાહક વિષ્ણુભાઈએ ગ્રાહકોના હિત હકકની રક્ષા કરતી સંસ્થા જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મેનેજિંગ ટ્રસ્ટી કિશોર દવેને રૂબરૂ મળી પોતાની ફરિયાદ આપી હતી.
જેથી સંસ્થાના મંત્રી પ્રિતેશ શર્માએ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરતા બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ એન.પી. ચૌધરી અને સભ્ય બી.જે.આચાર્યની જ્યુરીએ પ્રિતેશ શર્માની દલીલોને માન્ય રાખી ગ્રાહકને લેવાના થતા કાયદેસરના નાણાં રૂ.1,98,994 ને 9 ટકા વ્યાજ સાથે અને માનસિક ત્રાસના મળી રૂ. 4000 ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.