ડીસાના પાલિકાના પૂર્વ પ્રમુખ સંગીતાબેન દવેના રાજીનામા બાદ સોમવારે પ્રમુખ પદની ચૂંટણી માટે ખાસ બોર્ડ બેઠક યોજાઇ હતી. ડીસા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કરની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં સભ્યોની આંતરિક ખેંચતાણ વચ્ચે પાલિકાના તત્કાલીન પ્રમુખ સંગીતાબેન દવેને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારબાદ ભાજપ દ્વારા પ્રમુખ પદનો ચાર્જ પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરને સોંપવામાં આવ્યો હતો.

જ્યારે પાલિકાના પ્રમુખ પદની ચૂંટણી માટે 13 જાન્યુઆરીએ ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી. પાલિકા પ્રમુખની ચૂંટણી યોજવાની હોઇ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ બેઠકમાં માત્ર પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ડીસાના નાયબ કલેકટર નેહાબેન પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ભાજપ પક્ષ દ્વારા પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કરને મેન્ડેડ આપવામાં આવ્યો હતો. જેથી તેઓનું ઉમેદવારી ફોર્મ રજૂ થતાં સામે પક્ષે કોઈ દાવેદારી થઇ ન હતી. જેથી નાયબ કલેક્ટરે ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કરને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.