*ફરિયાદી અને આરોપીના પુત્રો વચ્ચેના આર્થિક વ્યવહાર હતા તે હકીકતે આરોપી નિર્દોષ*
કાલોલ પોરવાડ ફળિયામાં રહેતા ભાવેશભાઈ ગોકુલદાસ દેસાઈ દ્વારા કાલોલના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ કાલોલના અમૃતજી ખોડજી ઠાકોર સામે રૂ ૩,૦૫,૦૦૦/ ના ચેક રીટર્ન ની ફરિયાદ ૨૦૨૩ માં દાખલ કરી હતી. જેની મુખ્ય વિગતો મુજબ ફરિયાદી અને આરોપીના પુત્રો મિત્ર હતા આરોપીના પુત્રને ફોટો સ્ટુડિયો ખોલવા માટે નાણાની જરૂર પડતા ફરિયાદી ના પુત્ર એ પોતાની માતાના ઘરેણા ગીરવે મૂકીને રૂપિયા ૧,૫૦,૦૦૦/ આરોપીના પુત્રને આપ્યા હતા આ ઉપરાંત ફરિયાદીના પુત્ર એ આરોપીના પુત્રને લેપટોપ વાપરવા માટે આપેલું જે લેપટોપ આરોપી પુત્ર એ ત્રીજી વ્યક્તિને રૂ ૨૦,૦૦૦/માં ગીરે આપી દીધેલ જે લેપટોપની મૂળ કિંમત ૬૫,૦૦૦/ રૂપિયા હતી. વધુમાં આરોપીના પુત્ર એ ભાડે લીધેલ વાહનના ૯૦ હજાર રૂપિયા એમ કુલ મળી રૂ ૩,૦૫,૦૦૦/ ની ઉઘરાણી ફરિયાદીએ આરોપી પાસે કરી હતી જેથી આરોપીએ પોતાના વતનનું ઘર વેચીને આ રૂપિયા ૧૫ દિવસમાં આપી દેવાનો વાયદો કરેલો ૧૫ દિવસનો સમય પૂરો થયા બાદ આરોપીએ કોઈ રકમ ચૂકવી ન હતી જેથી ફરિયાદીએ પૈસા આપવા વિનંતી કરતા આરોપીએ પોતાની એચડીએફસી બેન્ક નો રૂ ૩,૦૫,૦૦૦/ નો ચેક તા ૧૭/૦૨/૨૩ ના રોજ નો લખી આપેલ. જે ચેક ફરિયાદીએ પોતાની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતામાં જમા કરાવતા અપૂરતા ભંડોળને કારણે રિટર્ન થયો હતો અને ત્યારબાદ આરોપીને નોટિસ આપી હાલનો કેસ દાખલ કર્યો હતો. આરોપી પોતાના એડવોકેટ બી બી પરમાર મારફતે હાજર થયા હતા અને કેસ પુરાવા માટે આવતા આરોપી તરફે એડવોકેટ જે બી જોશી દ્વારા ફરિયાદીની ઉલટ તપાસ કરી દલીલો કરી હતી. આરોપી તરફે એડવોકેટ જે બી જોશી દ્વારા ફરિયાદીની કરેલ ઉલટ તપાસ દરમિયાન ફરિયાદી ભાવેશભાઈએ સ્વીકાર કર્યો હતો કે તેઓ અને આરોપી વચ્ચે કોઈપણ પ્રકારનો નાણાકીય લેવડદેવડનો વ્યવહાર થયો નથી વધુમાં ચેક રીટર્ન વાળા કેસમાં નાણાકીય લેવડદેવડ ફરિયાદી અને આરોપીના પુત્રો વચ્ચે થયેલ છે. વધુમાં ફરિયાદીએ એ પણ સ્વીકાર કર્યો હતો કે આરોપી પાસે તેઓનું કોઈ કાયદેસરનું લેણું નથી. ફરિયાદમાં જણાવેલું લેપટોપ હાલ ફરિયાદી પાસે છે તેવું પણ તેઓએ સ્વીકાર કરેલો. ફરિયાદીએ ગાડી ફેરવવાનો કોઈ વ્યવસાય કરતા ન હોવાનો પણ સ્વીકાર કર્યો હતો સમગ્ર બાબતે એડવોકેટ જે.બી જોશી દ્વારા રજુ કરેલા જુદી જુદી કોર્ટના ચુકાદાઓને આધીન કાલોલ ના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.જી યાદવ દ્વારા ફરિયાદીની ફરિયાદ રદ કરી આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.