સરસ્વતીના વડુ ગામ નજીક ગુરુવારે દાંતીવાડા કેનાલના નાળા ઉપરથી ઈંટો ભરેલ ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું જે દરમ્યાન અચાનક નાળું તુટતાં ઈંટો ભરેલ ટોલી પલ્ટી મારી ચોકડીમાં ખાબકતા ઇંટો અને કાટમાળમાં 4 મજૂરો દટાયા હતા.જેમાં એક મજૂરનું ઘટના સ્થળે તેમજ બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું. અન્ય બે મજૂરને કાઢી લેતાં બચી ગયા હતા.
વાગડોદથી પ્રજાપતિ ચેતનભાઈ ગુરુવારે સવારે ટ્રેક્ટરમાં ઇંટો ભરી કિમ્બુવા ગામે ઉતારવા ગ્રામ્ય રસ્તેથી જઈ રહ્યા હતા. ટ્રેકટરની ટોલીમાં ઇંટો ઉપર 4 મજૂર બેઠા હતા. રસ્તામાં વડુથી શિયોલ રોડ પર વડુ પાસે દાંતીવાડા માઇનોર કેનાલનાં નાળા ઉપરથી પસાર થવા દરમ્યાન અચાનક નાળા બેસી એક તરફનો ભાગ તૂટી ધરાશાઈ થતા ટ્રેક્ટર કાટમાળ સાથે બાજુમાં કેનાલની ચોકડીમાં પલટી મારીને ખાબક્યું હતું. જેમાં ટ્રોલી સાથે ચારેય મજૂરો પટકાતા કાટમાળમાં દટાઈ ગયા હતા. ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળા દોડી આવી દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
જેમાં વાલ્મિકી મહેશ નામના મજુર ઉપર આરસીસીનાં મોટા ટુકડા છાતીના ભાગ ઉપર પડતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. અન્ય ત્રણ મજૂરોને બહાર કાઢી 108ને ફોન કરતા સ્થળ ઉપર દોડી આવી હતી. જેમાં જંગરાલની 108 ના ઇ.એમ.ટી. નિકિતા ચૌધરી અને પાયલોટ વિનોદ રાઠોડ તેમજ અન્ય ધારપુર 108ના સ્ટાફ દ્વારા મજૂરોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એક શ્રમિક વાલ્મિકી ભીખાભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું.