ડીસા તાલુકાના ઝેરડા ગામની યુવતી ડીસામાં સાડી શો-રૂમમાં નોકરી અર્થે ગુરુવારે છકડામાં જઇ રહી હતી. ત્યારે આખોલ ચાર રસ્તા નજીક છકડો પલટતાં યુવતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

ડીસાના ઝેરડા ગામે રહેતી કિંજલબેન દલપતભાઈ નાઇ (ઉં.વ.20) ડીસા શહેરમાં આવેલ પુષ્પાંજલિ સાડી શો રૂમમાં નોકરી કરતી હતી. ત્યારે ગુરુવારે નિત્યક્રમ પ્રમાણે કિંજલ ઝેરડાથી ડીસા આવવા છકડામાં બેઠી હતી. ત્યારે કંસારી અને ડીસા વચ્ચે આખોલ ચાર રસ્તા નજીક છકડો પલટી જતાં યુવતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતની ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ત્યારે લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવા અને પોલીસને જાણ કરતા તાત્કાલિક ધોરણે પોલીસ અને 108 ઘટના સ્થળે દોડી આવી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે ભાઇ વિનાની ચાર બહેનો પૈકી એકનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.