દિયોદરના સામલા-વડાણા પાસે સોમવારે સાંજે બે બાઇક અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇકસવાર એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિઓની હાલત ગંભીર હોવાથી દિયોદર રેફરલમાં સારવાર આપી વધુ સારવાર અર્થે ધારપુર ખસેડાયા હતા.

દિયોદરના સામલા-વડાણા પાસે સોમવારે સાંજે બે બાઇક અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર લાખણીના અસાસણ ગામના દિનેશભાઈ ધુડાભાઈ ઠાકોરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જેમની લાશને દિયોદર રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જયારે અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત સુરેશજી બળદેવજી ઠાકોર (ઉં.વ.26, રહે.થરા,તા. કાંકરેજ) અને વસંતભાઈ સરતાનભાઈ ઠાકોર (ઉં.વ.35, રહે.લુદરા,તા.દિયોદર) ને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં વધુ સારવાર અર્થે બંને ઈજાગ્રસ્તોને પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અંગેની જાણ પરિવારજનોને થતાં પરિવાર પણ દિયોદર રેફરલ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. ઘટનાની જાણ દિયોદર પોલીસને કરાતા દિયોદર પીઆઇ કે.એચ.બિહોલા પોલીસની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.