ધાનેરાના કુમર ગામના બે યુવકો બે દિવસ અગાઉ સાંજે ધાનેરાથી કુમર તરફ બાઇક લઇ આવતાં હતા. ત્યારે કરાધણી નજીક સામેથી આવતી ઇકોના ચાલકે ધડાકાભેર ટક્કર મારતાં બે યુવકોને ગંભીર ઇજા ઇતી. જેમાં એક યુવકનું સારવાર દરમિયાન શનિવારે મોત નિપજ્યું હતું.

ધાનેરા તાલુકાના કુમર ગામના કાંતિભાઈ ડાભીના પુત્ર તથા અલ્પેશભાઈ બંને યુવકો બે દિવસ પહેલા સાંજના સુમારે ધાનેરાથી કુમર તરફ જઇ રહ્યા હતા. તેવા સમયે કરાધણી નજીક પૂરઝડપે આવતી ઇકો ચાલકે સામેથી આવતાં બાઇક ચાલકોને ટક્કર મારતાં બે યુવકોને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં અલ્પેશભાઈની હાલત ગંભીર જણાતાં મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન શનિવારે અલ્પેશભાઇનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઇ હતી.

અલ્પેશભાઈના માતા-પિતા ખેત મજૂર છે. બે ભાઈ હતા. જેમાં નાનો ભાઈ અભ્યાસ કરે છે. જ્યારે અલ્પેશ હાલમાં ખાનગી કંપનીમાં ત્રણ મહિનાથી ગાંધીનગરમાં નોકરી કરતો હતો. બેફામ દોડતાં ઇકો ચાલકો તથા પેસેન્જર ભરી દોડતા વાહન ચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.