દેશની એક સમયની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને હવે ઠેરઠેર ઝટકા લાગવાની જાણે મૌસમ જામી છે તે મુજબ હવે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને પણ ઝટકો લાગ્યો છે.
કોંગ્રેસે અહીં પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પ્રદેશ કેમ્પેન કમિટીના અધ્યક્ષ બનાવ્યા બાદ આઝાદે અધ્યક્ષ બન્યાના માત્ર 2 કલાકમાંજ રાજીનામું આપી દેતા કોંગ્રેસ હાઈ કમાન્ડ ચોંકી ગયુ છે.
એક વાત એવી પણ સામે આવી છે કે ગુલામ નબી આઝાદની નારાજગી એ વાતની છે કે તેમની ભલામણોને કોંગ્રેસ હાઈ કમાન્ડ નજર અંદાજ કરે છે પરિણામે તેઓએ નવી જવાબદારી લેવાનો ઈનકાર કર્યો છે.
જોકે કોંગ્રેસનું કહેવું છે કે આઝાદે ખરાબ સ્વાસ્થ્યને કારણે કેમ્પેન સમિતિના અધ્યક્ષનું પદ સંભાળવાનો ઈનકાર કર્યો છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, તેમણે આ બાબતની માહિતી પાર્ટીના હાઈકમાન્ડને આપી છે. આઝાદે નવી જવાબદારી આપવા બદલ પાર્ટીના નેતૃત્વનો ધન્યવાદ માન્યો છે.
આમ,હવે કોંગ્રેસ માં અંદર ખાને નારાજગીનો ધોધ વહેતો થયો છે અને અનેક નેતાઓ દૂર થઈ રહ્યાનો માહોલ જોવા મળી રહયો છે.