એલ.સી.બી. પોલીસે ગુરૂવારે ડીસા પાસેથી એક કારના ગુપ્ત ખાનાની અંદર દારૂનો જથ્થો સંતાડી લઈ જવાતો હતો. જો કે, પોલીસે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની અટકાયત કરી છે.
એલસીબી પીઆઇ એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.બી.રાજગોર તેમજ સ્ટાફ ડીસા તાલુકાની હદમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળતાં ડીસાના આખોલ ચાર રસ્તા પાસે નાકાબંધી દરમિયાન કાર નંબર જીજે-18-બીએમ-1695 ને રોકાવી અંદર તપાસ કરતા પ્રથમ તો પોલીસને કંઈ મળ્યું ન હતું. પરંતુ પોલીસે કારની બરાબર તપાસ કરતા કારમાં જુદા જુદા ગુપ્તખાના બનાવેલા હતા. જેમાંથી પોલીસને દારૂની 157 બોટલો મળી આવી હતી.
જેથી પોલીસે કાર ચાલક પ્રવિણ હરચંદજી રાજપુત (રહે.મોરેલા, તા.થરાદ) અને દિનેશ દિપારામ જાટ (રહે.રાજસ્થાન) ની અટકાયત કરી હતી. અને દારૂનો જથ્થો મંગાવનાર હકમારામ જાટ (રહે.રાજસ્થાન) સહિત તમામ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. તેમજ દારૂ અને કાર સહિત કુલ રૂ.8,90,180 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.