ડીસામાં જૂની ડિમ્પલ ટોકીઝની જગ્યામાં સીટ નંબર 40 સર્વે નં. 412 વાળી જગ્યામાં માર્જિન કે પાર્કિંગ છોડ્યા વગર બાંધકામ કરી દીધા બાદ નિયમિત કરવા મંજૂરી માંગી હતી. પરંતુ નિયત સમયમાં આધાર પુરાવા રજૂ ન કરતા આખરે પાલિકાએ અરજીને રદ કરી છે. જેથી હવે શોપિંગ સેન્ટર પર કાર્યવાહી હાથ ધરાશે.
ડીસા નગરપાલિકા હદમાં જૂની ડિમ્પલ ટોકીઝવાળી સીટ નં. 40 સર્વે નં. 412 ની જગ્યામાં માલિક પિયુષ પૂનમચંદ આચાર્યએ શોપિંગ સેન્ટર બનાવવા પાલિકામાં મંજૂર કરાવેલ નકશો અને લે આઉટ પ્લાનના વિરુદ્ધમાં માર્જિન કે પાર્કિંગ છોડ્યા વગર બાંધકામ કરી દઈ શોપિંગ ઊભું કરી દીધું છે. બાદમાં પિયુષ પૂનમચંદ આચાર્યએ કરેલ ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા ગુજરાત અનધિકૃત બાંધકામ નિયમિત કરવા અંગેના 2022ના પરિપત્ર હેઠળ અરજી કરી હતી. જેમાં કેટલીક બાબતોની પુષ્ટતા કરવાની હતી પરંતુ સમયમર્યાદામાં પુષ્ટતા ન કરતા અરજીને રદ કરી દફ્તરે કરી હતી અને હવે શોપિંગ સેન્ટરના માલિકને નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આ અંગે ડીસા પાલિકા ટાઉન પ્લાનર મનહરભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે, પિયુષ પૂનમચંદ આચાર્યએ ગેરકાયદે બાંધકામને રેગ્યુલર કરવા અરજી કરેલી હતી. જે સમયમર્યાદામાં પુરાવા રજૂ ના કરતા અરજીને રદ કરી દફ્તરે કરી છે અને હવે નોટીસ આપી ખુલાસો મંગાશે અને જો સમય મર્યાદામાં જવાન નહીં આપે તો શોપિંગને સીલ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા નગરપાલિકા હદમાં સીટ નં. 40 સર્વે નં. 412 માં પણ ગેરકાયદે બાંધકામ બાબતે અરજદારએ 27 એપ્રિલ-2023 માં લેખિતમાં જાણ કરી હતી. ત્યારબાદ 7 ડિસેમ્બર-2023 માં પણ સ્વાગત ઓનલાઇનમાં અરજી કરાઈ હતી. જે સમયે નાયબ કલેકટરે અરજદારને કહેલું કે, તમે અરજી કેમ કરી તમારે શું છે, ગેરકાયદ હશે તો નગરપાલિકા જોઈ લેશે તેમ કહીને અરજી કાઢી દેવાઈ હતી.