પાલનપુરના અસમાપુરા ગામે તા. 21 ઓક્ટોબરે સામાન્ય બાબતમાં જીગર વાઘેલા નામના યુવકને માથામાં લોખંડની પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેથી ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકનાં પરિવારોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, 10 દિવસની સારવાર બાદ યુવકનું મોત થતાં યુવકના પરિવારોએ આરોપીને ઝડપી પકડવામાં આવે અને તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પાલનપુર સિવિલમાંથી મૃતદેહ ઉઠાવવાનો ઈન્કાર કર્યો હતો. જે બાદ પાલનપુર સિવિલમાં હિન્દુ સંગઠનના કાર્યકરો પણ પહોંચી ગયા હતા અને તાત્કાલિક આરોપીઓને પકડવાની માંગ કરી હતી.
પાલનપુર સિવિલમાં અસમાપુરાના મૃતક યુવક જીગર વાઘેલાના મૃતદેહને સ્વીકારવાનો પરિવારે અને હિન્દુ સંગઠનોએ ઇન્કાર કરી દીધો છે. સવારથી જ ડીવાયએસપી, પીઆઇ અને પોલીસ કક્ષાના અધિકારીઓ પાલનપુરના ધારાસભ્ય પણ સમાધાન પ્રક્રિયામાં જોડાયા છે. જે પ્રકારે હુમલાની ઘટના બની તેને લઈને પોલીસ દ્વારા આરોપીને હજુ ઝડપ્યા ન હોવાથી મૃતકના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે, પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. પરંતુ ઠાકોર સમાજ અને હિન્દુ સંગઠનોની માગણી છે કે, આમાં ત્રણ આરોપીઓ સંડોવાયેલા છે તે તમામને ઝડપવામાં આવે અને તેઓને કડકમાં કડક સજા કરવામાં આવે.
પાલનપુર અસ્માપુરાના યુવકના મોત મામલે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમજ હિંદુ સંગઠનો પણ પાલનપુર સિવિલ ખાતે પહોંચ્યા હતા. પોલીસે આ સમગ્ર મામલાને લઈને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી અને તમામ મામલે સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા.
આ મામલાને લઈને ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, અત્યારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં જે અધિકારીઓ હતા એમનાથી જે મિસ કાળજી હશે તો તે બાબતે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે. જે લોકોની માંગણી છે તેને લઈને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.