કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ કેસમાં બીજા રાઉન્ડની પૂછપરછ માટે મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સમક્ષ રજૂ થઈ શકે છે. સૂત્રોએ કહ્યું કે, સોનિયા ગાંધી ઈડી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા માટે 26 જુલાઈએ બપોરે રજૂ થઈ શકે છે. મહત્વનું છે કે આ પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીએ સોનિયા ગાંધીને સોમવારે સમન્સ કર્યું હતું, પરંતુ બાદમાં આ તારીખ એક દિવસ વધારી 26 જુલાઈ કરી દેવામાં આવી હતી.
તો કોંગ્રેસે રસ્તા પર શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી કરી છે. કોંગ્રેસ મંગળવારે દેશભરમાં શાંતિપૂર્ણ સત્યાગ્રહ આયોજીત કરશે. તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ તમામ રાજ્ય એકમોને 26 જુલાઈએ શાંતિપૂર્ણ સત્યાગ્રહ આયોજીત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોંગ્રેસ તરફથી જારી નિર્દેશમાં રાજ્ય એકમોને કહેવામાં આવ્યું છે કે જ્યારે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી ઈડીની સામે રજૂ થશે તે સમયે શાંતિપૂર્ણ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવે.
કોંગ્રેસે પોતાના સર્વોચ્ચ નેતૃત્વ વિરુદ્ધ ઈડીની કાર્યવાહીની નિંદા કરી છે. કોંગ્રેસે ઈડીની આ પૂછપરછને રાજકીય બદલાની ભાવનાથી ઉઠાવેલું પગલું ગણાવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે સોનિયા ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી પણ ઈડી ઓફિસ જઈ શકે છે. આ પહેલા સોનિયા ગાંધી ઈડી ઓફિસ હાજર થયા તો રાહુલ અને પ્રિયંકા સાથે હતા. ઈડીએ પાછલા સપ્તાહે સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ કોંગ્રેસ દ્વારા પ્રવર્તિત અખબાર નેશનલ હેરાલ્ડનો માલિકી હક રાખનારી યંગ ઈન્ડિયન પ્રાઇવેટ લિમિટેડમાં કથિત નાણાકીય ગડબડીની ફરિયાદ પર તપાસ કરી રહી છે. ઈડીના એક ઉચ્ચ સૂત્રનું કહેવું છે કે પાછલી પૂછપરછમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લગભગ 27-28 સવાલ પૂછવામાં આવ્યા હતા. યંગ ઈન્ડિયાના પ્રમોટર્સ અને શેરધારકોમાં સોનિયા અને રાહુલ ગાંધી પણ કથિત રીતે સામેલ હતા.