બનાસકાંઠા ભુસ્તર વિભાગે ડીસાના વાસણા ગામ પાસે બનાસ નદીમાંથી ખનીજ ચોરી કરતા એક હિટાચી મશીન અને એક ડમ્પર ગુરુવારે રાત્રે ઝડપી પાડ્યા હતા. અને રૂ 80 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, ખોદકામની તટસ્થ તપાસ થાય તો કરોડોની ખનીજ ચોરી બહાર આવી શકે તેમ છે.
બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમ ગુરુવારે મોડી રાત્રે ખાનગી રાહે ડીસાના વાસણા ગામ પાસે બનાસનદીમાં વોચમાં હતી. ત્યારે હિટાચી મશીન વડે એક ડમ્પર રેતી ભરીને જઈ રહ્યું હતું. જે સમયે ભુસ્તરની ટીમ પહોંચી જતા મશીન અને ડમ્પર ઝડપી પાડ્યું હતું. આમ અંદાજિત રૂ. 80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ મશીન અને ડમ્પર કબ્જે કરેલા છે અને ખોદકામ કરેલું છે ત્યાં માપણી બાદ દંડ ફટકારવામાં આવશે. જોકે કેટલો દંડ થશે તે બાબતે સ્પષ્ટતા કરી ન હતી. અવાર-નવાર કડક કાર્યવાહી બાદ પણ હજુ ખનીજ ચોરી યથાવત રહેતા હવે ખાનગી રાહે તપાસ હાથ ધરાઈ છે.
ગેરકાયદેસર ખનીજ ચોરી મામલે એક ફરિયાદ થતાં 1 સપ્ટેમ્બરના રોજ ગ્રામ્ય મામલતદારએ હિટાચી મશીન કબ્જે કરી ખનીજ વિભાગને સોંપ્યું હતું. પરંતુ અચાનક આ મશીનને ક્લિનચીટ આપી છોડી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ખનન માફિયા દ્વારા બેરોકટોક ખનન શરૂ કર્યું હતું. જોકે તટસ્થ તપાસ થાય તો કરોડોની ખનીજ ચોરી બહાર આવી શકે તેમ છે.