પાવીજેતપુરના ભારજ બ્રિજ નજીક જનતા ડાયવર્ઝન ચાલુ થતા છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્ય પ્રદેશની જનતાને રાહત

            પાવીજેતપુર નજીક આવેલ ભારજ બ્રિજ પાસે જનતા ડાયવર્ઝન રાત દિવસની ૭૨ કલાકની ભારે જેહમત બાદ બની જઈ, ચાલુ થઈ જતા છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતાને રાહત થવા પામી છે. 

               પાવીજેતપુર નજીક સિહોદ ગામે આવેલ ભારજ બ્રિજ તેમજ નવીન બનેલ સરકારી ડાયવર્ઝન ૨૬ ઓગસ્ટના રોજ વધુ વરસાદના કારણે પાણીના વહેણમાં ધોવાઈ ગયા હોય, જેના કારણે પાવીજેતપુર થી બોડેલી તરફ જવા માટે રંગલી ચોકડી, મોડાસર ચોકડી થઈ ૩૦ કીમીનું અંતર કાપી બોડેલી પહોંચવું પડતું હતું. તો બીજો રસ્તો જે કે ડુંગરવાંટ, વાંકી થઈ ૪૦ કિ.મી અંતરનો ફેરો ફરવાનો વારો આવતો હતો. જેને લઇ જનતા ત્રાહિમામ પોકારી રહી હતી. સરકારી તંત્રએ ૪ કરોડનું નવીન ડાયવર્ઝન મંજૂર કરી દીધું છે પરંતુ એનો પ્રોસેસ અને બનવામાં સ્વાભાવિક રીતે હજુ વધુ સમય લાગે તે દેખાઈ રહ્યું હતું, તેથી સિથોલ અને સીહોદ ગામના યુવાનો દ્વારા જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરંતુ નદીના પટમાં વધુ પાણી આવતા પાઇપો ઓછી હોવાના કારણે તે ધોવાઈ જતા ફરી બંધ થઈ ગયું હતું. ત્યારે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહ, સાસંદ જશુભાઈ રાઠવા ના સંયુક્ત પ્રયાસોથી ૫૨ જેટલી પાઇપોની વ્યવસ્થા કરી બંને બાજુ મેટલ નાખી રસ્તા બનાવી વધુ પાણી આવે તો પણ ડાયવર્ઝનનો વાળો રસ્તો બંધ ન થાય તેવું આયોજન કરી જનતા ડાયવર્ઝન બનાવી દેતા જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. એક લાઈનમાં ૪ ભૂંગળા, એવી ૧૩ લાઈનો ગોઠવી ૫૨ ભૂંગળાનો ઉપયોગ કરી, ડેમમાંથી પાણી છોડવામાં આવે તો પણ પાણીનો નિકાલ થઈ જાય તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

         આમ, પાવીજેતપુર ભારજ બ્રિજ પાસે છોટાઉદેપુરના ધારાસભ્ય, સાંસદ, પાવીજેતપુર ના ડેપ્યુટી સરપંચ, સિહોદ, સિથોલ ના સરપંચ તેમજ યુવાનો, આગેવાનોમાં સંયુક્ત પ્રયાસોથી જનતા ડાયવર્ઝન ચાલુ થઈ જતા જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. 

દિવાળીના ટાણેજ જનતા ડાયવર્ઝન ચાલુ થઈ જતા પાવીજેતપુરના બજારને મળેલું જીવત દાન 

         

        બે માસ પૂર્વે વધુ વરસાદના પગલે સરકારી ડાયવર્ઝન ધોવાઈ ગયું હોય તેમજ ભારજ બ્રિજને બે ટુકડા થઈ ગયા હોય ત્યારે પાવીજેતપુર બજાર સાથેનો આજુબાજુના ગામડા નો સીધો સંપર્ક તૂટી જતાં તેમજ ૩૦ થી ૪૦ કી.મી. નો ફેરો ફરીને પાવીજેતપુર બજારમાં આવવું પડતું હોવાથી પાવીજેતપુરના બજારને માઠી અસર થવા પામી હતી. ત્યારે વેપારીઓ પણ ખૂબ ચિંતામાં દેખાતા હતા ત્યારે ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહે આ જનતા ડાયવર્ઝન નું બિડુ ઝડપ્યું હતું. આટલું મોટું ડાયવર્ઝન બનાવવા માટે સ્વાભાવિક રીતે આર્થિક મદદની જરૂર હતી, ત્યારે પાવીજેતપુર વેપારી મંડળે પણ દિલ ખોલીને આર્થિક મદદ કરી હતી. છેલ્લે પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચ તેમજ છોટાઉદેપુર ના ધારાસભ્ય રાજુભાઈ રાઠવા તથા ભાજપના હોદ્દેદારો, સંગઠનના માણસો દ્વારા ફાળો એકત્ર કરી વેપારી મંડળની પણ આર્થિક મદદ લેવામાં આવી ન હતી. આ જનતા ડાયવર્ઝન શરૂ થતા વેપારીઓમાં પણ આનંદ જોવાઈ રહ્યો છે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે અને તે જ સમયે જનતા ડાયવર્ઝન બની જતા વેપારીઓ તેમજ આજુબાજુના ગામડા વાળોઓમાં આણંદની લાગણી જોવા મળી રહી છે. આ ડાયવર્ઝન થી પાવીજેતપુરના બજારને નવીન જીવત દાન મળી જવા પામ્યું હોય તેમ લાગી રહ્યું છે.

સરકારી ડાઈવરજન ૪ કરોડના ખર્ચે બનાવવાના સ્થાને જનતાએ બનાવેલ ડાયવર્ઝન ઉપર ૧૫ થી ૨૦ લાખનું ડામરિંગ કરી, જનતાએ બનાવેલ ડાયવર્ઝનને વધુ મજબૂત કરી દેવામાં આવે તેમ જનતા ઈચ્છી રહી છે. ચોમાસામાં વરસાદ આવશે ત્યારે ૪ કરોડનું ડાયવર્ઝન પણ ધોવાય જવાનું છે તો પછી ચાર કરોડનો ખોટો ખર્ચો કેમ ? આવા સવાલો જનતામાં ઉઠી રહ્યા છે. સાથે સાથે બ્રિજના કામની યુદ્ધના ધોરણે શરૂઆત થાય અને વેળાસર બને તેવું આયોજન થાય તે પણ ખૂબ જરૂર છે.