હાઇવે પર એક કારને બચાવવા જતા કન્ટેનરવાળી ટ્રકે 4 કાર અને 15 બાઇકને ચગદી કાઢ્યા
ટ્રેલરે 19 વાહનો સાથે અકસ્માત સર્જ્યા બાદ કારના શો-રૂમની દીવાલ પણ તોડી નાખી
વડોદરા તરફથી આવતા ટ્રેલર ચાલક સામે સી ડિવિઝનમાં ફરિયાદ દાખલ
પુર ઝડપે રહેલા ટ્રેલરના ચાલકે સાગમટે એક બાદ એક 19 વાહનોને અડફેટે લેતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા, લાખોનું નુકશાન
ભરૂચ હાઇવે ઉપર વડદલા નજીક વડોદરાથી પુર ઝડપે આવતા ટ્રેલર ચાલકે સોમવારે એકસ્માતની હારમાળા સર્જી દીધી હતી.
વડદલા પાસે હાઇવે ઉપર વડોદરાથી એક ટ્રેલરનો ચાલક પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. દરમિયાન એક કાર ચાલક સાથે અકસ્માત સર્જતાં અટકાવવા તેને અકસ્માતની કતાર સર્જી દીધી હતી.
આ ટ્રેલર ચાલકે 4 કાર અને 15 મોપેડને હાઈવને અડીને આવેલા કારના શો-રૂમ પાસે જ એક બાદ એક અડફેટે લઈ ફંગોળતા કોઈ ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા.
સાગમટે 19 વાહનોને અડફેટે લીધા બાદ આ યમદૂત બનીને ત્રાટકેલું ટ્રેલર કાર ના શો-રૂમની દીવાલ તોડીને અટક્યું હતું. એક ટ્રેલરે 19 વાહનો સાથે સર્જેલા આ અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાનિ કે ઇજા પોહચી ન હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
અકસ્માતના પગલે હાઇવે ઉપર જ્યાં જુઓ ત્યાં નુકશાની ગ્રસ્ત વાહનો જ્યાં ત્યાં ફંગોળાયેલા જોવા મળ્યા હતા. જેને લઈ ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.
ઘટના અંગે સી ડિવિઝન પોલીસ મથકે ટ્રેલર ચાલક સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ હતી. અકસ્માતમાં 4 કાર અને 15 વાહનોના માલિકોને લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.