બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ખરીફ પાક ગણાતા મગફળી કાઢવાનું શરૂ થતાં શરૂઆતથી જ મગફળીની પુષ્કળ આવક થતા માર્કેટ યાર્ડ ધમધમતાં થયા હતાં .ડીસા માર્કેટયાર્ડમાં દિવસે દિવસે આવક વધતા ગુરુવારે 50 હજારથી વધુ બોરીની મગફળીની આવક નોંધાઇ હતી. જો કે, સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી દિવાળી બાદ શરૂ કરવાની હોવાથી તેમજ હાલ ખેડૂતોને સારા ભાવ મળતા હોય ખેડૂતો રાહ જોયા વગર માલ વેચી રહ્યા છે.
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પ્રમાણસર વરસાદના કારણે ખેડૂતોએ જિલ્લાના મુખ્ય ગણાતા ખરીફ પાક મગફળીનું મોટાપાયે વાવેતર કર્યુ હતું. ત્યારે છેલ્લા સપ્તાહથી મગફળી કાઢવાની શરૂઆત થતા ડીસા માર્કેટયાર્ડમાં દિવસે દિવસે આવકો વધી રહી છે. ડીસા માર્કેટયાર્ડમાં ગુરુવારે 50,000 થી વધુ બોરીની મગફળીની આવક નોંધાઇ હતી. હાલ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 1150 થી 1450 જેવા પડી રહ્યા છે.
જો કે, સરકાર દ્વારા ખેડૂતોની પોષણક્ષમ ભાવ મળે તે માટે પ્રતિ મણ 1326 ના ભાવે ટેકાના ભાવે ખરીદી કરવા માટે જાહેરાત કરી છે.અને તેના ખરીદ કેન્દ્રો દિવાળી બાદ શરૂ કરાશે. જોકે, મગફળીના ભાવ હાલ માર્કેટયાર્ડમાં સારા મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે વેચવાની રાહ જોવા તૈયાર નથી. જેના કારણે માર્કેટ યાર્ડમાં દિવસે દિવસે આવકો વધી રહી છે.