પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે સરકારી જમીન ઉપર બનાવેલ બે પાકા મકાનો ઉપર બુલડોઝર ફેરવાયું 

             પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે સરકારી જમીનમાં બે પાકા મકાન બનાવી દેવામાં આવ્યા હતા જ્યાં સરકારને જરૂર હોવાથી નોટિસ આપી હતી. પરંતુ દબાણો સ્વેચ્છિક દૂર ન થતાં બંને મકાનોને બુલડોજરો ફેરવી તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યો છે. 

            પાવીજેતપુર તાલુકાના મોટી રાસલી ગામે આદર્શ નિવાસી શાળા ની પાછળના ભાગે નિવૃત ફૌજી એવા રાઠવા જનુભાઈ રતનભાઇ તેમજ રાઠવા રણજીતભાઈ કુંભસિંગભાઈ દ્વારા સરકારી જમીન સર્વે નંબર ૧૦૦ માં બે પાકા મકાન બનાવી દેવામાં આવ્યા હતા. જે સ્થાને સરકાર દ્વારા પોલીસ ક્વોટર્સ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તેમજ ટ્રાઇબલ હોસ્ટેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હોય તેથી તેઓને નોટિસ પાઠવી પાંચ દિવસમાં દબાણો દૂર કરવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ આ દબાણો દૂર કરવામાં ન આવતા પાવીજેતપુરના મામલતદાર, પ્રાંત અધિકારી પોલીસ કાફલા સાથે પહોંચી ચાર જેટલા બુલડોઝરો લઈ સ્થળ ઉપર પહોંચી ૩ ઓક્ટોબરના મોડી સાંજે બંને પાકા મકાનો તોડી પાડી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

         ઉલ્લેખનીય છે કે નાની રાસલી ગામની બોર્ડરને અડીને આવેલા તારાપુરની સીમમાં આ બંને મકાનો સરકારી જમીનમાં બાંધી દેવામાં આવ્યા હતા. સરકારે આ જમીન ઉપર પોલીસ ક્વોટર્સ, સરકારી દવાખાનુ તેમજ ટ્રાયબલ હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું હોય તેથી જમીનની જરૂર હોવાથી આ બંને પાકા મકાનોને તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યા છે.