અમીરગઢમાં હોમિયોપેથીક ડિગ્રી ઉપર એલોપેથીક દવાઓ આપી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતાં તબીબને એસઓજીની ટીમે ઝડપી રૂ.14,292 ની દવાનો જથ્થો કબ્જે લીધો હતો.

અમીરગઢમાં બોગસ તબીબ પ્રેકટીસ કરતો હોવાની જાણ થતાં એસઓજી પીઆઇ એમ. જે. ચૌધરીએ ટીમ સાથે તપાસ કરી હતી. જ્યાં આર. આર. વિદ્યાલયની પાસે ક્લિનિક ચલાવતો રણછોડભાઇ લાલજીભાઇ પટેલની પુછપરછ કરતાં તેણે કાઉન્સિલ ઓફ હોમિયોપેથિક સિસ્ટમ ઓફ મેડેસીન ગુજરાતનું ડી. એચ. એમ. એસ.નું સર્ટી રજુ કર્યુ હતુ. જ્યારે આ તબીબ એલોપેથિક દવાઓ રાખી લોકોની સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું.

જ્યાં અમીરગઢ આરોગ્ય વિભાગની ટીમ સાથે રાખી કલિનિકમાં તપાસ કરતાં રૂ. 14,292 નો એલોપેથિક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. જે કબ્જે લેવાયો હતો. આ અંગે ડાભેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ધીરજકુમાર નવજીભાઇ ડોડીયારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે રણછોડ પટેલની અટકાયત કરી તેની સામે ગુનો નોંધ્યો હતો.