પાવીજેતપુર હાઈસ્કૂલ દ્વારા મહાન ૧૫૫મી ગાંધી જયંતીની ઉત્સાહભેર કરાયેલી ઉજવણી

          ૨ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ પાવીજેતપુરના શ્રીમતી વી. આર. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા મહાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૫મી જન્મજયંતિ નિમિત્તે એક ઉત્સાહભરી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોને સમાજમાં ફરીથી પ્રવર્તાવવાનો પ્રયાસ હતો, જેમાં ખાસ કરીને " સત્ય, અહિંસા અને સ્વચ્છતા " જેવા મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા હતા. રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ સભ્યો અને એનએસએસ ના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને દર્શાવતી ચિત્રો, બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે નગરના મુખ્ય માર્ગો પર કૂચ કરી હતી. "સ્વચ્છ ભારત"ના સંદેશ સાથે, વિદ્યાર્થીઓએ શહેરની ગલીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. પેલી જે વિસ્તારમાં પહોંચતી હતી તે વિસ્તારમાં અગ્રણીઓ ગાંધીજીની પ્રતિમા ઉપર ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ આપતા નજરે પડતા હતા. 

              શાળાના એનએસએસના સદસ્યોએ ખાસ ઉપક્રમે " સ્વચ્છતા અભિયાન " ચલાવ્યું હતું, જેમાં નગરના રસ્તા, ગલીઓ અને જાહેર સ્થળોને સફાઈ કરીને મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના સપનાને આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ અભિયાનને નગરજનો દ્વારા પણ ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો.

           આ પ્રસંગે શાળાના આચાર્ય સંજયભાઈ શાહ દ્વારા મહાત્મા ગાંધીજીના જીવન, તેમના આદર્શો અને દેશ માટેના યોગદાન વિશે પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યો હતું. તેમણે વિદ્યાર્થીઓને ગાંધીજીના માર્ગદર્શક સિદ્ધાંતો પર ચાલીને સમાજ માટે નિસ્વાર્થ સેવા, શાંતિ અને સ્વચ્છતા માટે યોગદાન આપવાની પ્રેરણા આપી હતી. આ રેલી માત્ર પ્રતીકાત્મક નથી રહી, પરંતુ વિદ્યાર્થી અને નાગરિકો વચ્ચે આદર્શોનું મક્કમ સ્થાન બનાવી ગઈ હતી. શ્રીમતી વી. આર. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા યોજાયેલી આ ઉજવણી, નગરના સમાજજીવનમાં સામાજિક જાગૃતિ લાવવા માટે શ્રેષ્ઠ ઉદાહરણ બની રહી હતી.

           આમ, પાવીજેતપુર નગરમાં પાવીજેતપુર હાઇસ્કુલ દ્વારા ૧૫૫ મી ગાંધી જયંતી નિમિત્તે રેલી યોજી ઉત્સવ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.