બનાસકાંઠા એસીબીની ટીમે સુરત ગોપીપુરા પોલીસ ચોકીના પીએસઆઇને 1 લાખની લાંચ લેતાં ઝડપી લીધો હતો. ફરિયાદી સામે થયેલી અરજી ફાઇલે કરવા લાંચની માંગી હતી. જેની પાલનપુર એસીબીમાં ફરિયાદ કરી હતી.
સુરતના વ્યકિત વિરૂધ્ધ અઠવા લાઇન પોલીસ સ્ટેશનના તાબામાં આવતી ગોપીપુરા પોલીસ ચોકીમાં અરજી થઇ હતી. જે અરજી ફાઇલ કરવા માટે પીએસઆઇ લલિતકુમાર મોહનલાલ પુરોહિતે રૂ. 1,00,000 ની લાંચની માંગણી કરી હતી. આ અંગે અરજદારે બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પાલનપુર એસીબી પીઆઇ નિલેષ ચૌધરીએ ટીમ સાથે બુધવારે સાંજે 7 કલાકે છટકું ગોઠવ્યું હતુ. જ્યાં રેલ્વે સ્ટેશનની સામે બિસ્મિલ્લા હોટલ આગળ રૂપિયા 1 લાખની લાંચના નાણાં સ્વિકારતી વખતે પીએસઆઇ લલીત પુરોહિતને ઝડપી લેવાયો હતો.
આ અંગે પાલનપુર એ.સી.બી. પી.આઇ. નિલેષ ચૌધરીએ જણાવ્યું હતું કે, પીએસઆઇ નાણાં લેવા માટે તેની ખાનગી કાર લઇને આવ્યો હતો. સાંજે 7 કલાકે વરસાદ ચાલુ હોઇ ફરિયાદીને કારમાં બેસાડી નાણાં સ્વિકાર્યા હતા. અને નાસી જવાની પેરવીમાં હતો. ભીડભાડ વચ્ચે બાઇકો આડા મુકી કારને થોભાવી ઝડપી લીધો હતો.