મધ્યપ્રદેશથી રૂ.25 થી 30 હજારમાં પિસ્તોલ અને કારતૂસ લાવીને અમદાવાદમાં વેચવાના કાવતરાનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો. ક્રાઈમ બ્રાંચે એક સાથે ત્રણ કન્સાઇન્મેન્ટમાં આઠ પિસ્તોલ અને 39 કારતૂસ સાથે ચારની ધરપકડ કરી હતી. આરોપીઓ અગાઉ લૂંટ - ચોરી - ખૂનની કોશિશ - હથિયારોની હેરાફેરીના ગુનામાં પકડાઈ ચૂકયા હતા. જ્યારે આ હથિયારો અમદાવાદમાં કોને વેચવા આવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
આગામી નવરાત્રી તેમજ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાંચની જુદી જુદી ટીમોએ એક સાથે હથિયારોનાં ત્રણ કન્સાઈન્મેન્ટ પકડી પાડયા હતા. આ વિશે માહિતી આપતા કાઈમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું હતું કે, એક કન્સાઈન્મેન્ટમાં કિશોરકુમાર ઉર્ફે કેકે કાંતિલાલ પંચાલ (ઉં.31, રહે. ડીસા) અને વિક્રમકુમાર વરઘાજી પઢિયાર (ઉં.વ. આ. 32, રહે. કુડાવાળી ઢાંણી, માલગઢ, તા. ડીસા)ને છ પિસ્તોલ અને 24 કારતૂસ સાથે ઝડપી લીધા હતા.
જ્યારે બીજા કન્સાઈન્મેન્ટમાં કડીના રહેવાસી જગદીશલાલ ઉર્ફે જેકે તારાજી લુહાર (ઉ.32)ને એક પિસ્તોલ અને 12 કારતૂસ સાથે ઝડપી લીધો હતો. જ્યારે ત્રીજા કન્સાઈન્મેન્ટમાં આમીન રફીકભાઈ મેમણ (ઉ.31. સરખેજ)ને એક પિસ્તોલ અને ત્રણ કારતૂસ સાથે ઝડપી લીધો હતો. આ અંગે ડીસીપી અજીત રાજીયને જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં કિશોરકુમાર, વિક્રમકુમાર અને જગદીશભાઈ મધ્યપ્રદેશના ધારમાં રહેતા માનસિંગ ચીખલીગર પાસેથી આ હથિયાર વેચવા માટે લાવ્યા હતા. જેના આધારે માનસિંગને પકડવા માટે ક્રાઈમ બ્રાંચની એક ટીમ મધ્યપ્રદેશ જવા રવાના થઈ છે. જ્યારે માનસિંગ ચીખલીગરની માહિતી મધ્યપ્રદેશ પોલીસને મોકલી આપવામાં આવી છે.
પકડાયેલા તમામ આરોપીઓ ભૂતકાળમાં કોઈને કોઈ ગુનામાં પકડાઈ ચૂકયા છે. લૂંટ - ચોરી - હથિયારોની હેરાફેરી - ખૂનની કોશિશ સહિતના ગુનાઓમાં આરોપીઓ પકડાયા હોવાથી તેઓ અમદાવાદનાં પણ કોઈ મોટી લૂંટ કે ચોરીને અંજામ આપવા અથવા તો હથિયારો વેચવા આવ્યા હોવાની પ્રાથમિક માહિતીના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.
જોકે, પોલીસને એવી પણ આશંકા છે કે આ લોકો કોઈ જમીનનો કબજો લેવા માટે અથવા તો અંગત અદાવત પાર પાડવા માટે હથિયારો લાવ્યા હોઈ શકે છે. આ તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
હથિયારો સાથે પકડાયેલા ચાર આરોપીઓ અમદાવાદના ઘણા બધા લોકોના સંપર્કમાં હતા. તે લોકોએ હથિયારો મગાવ્યા હોવાની શંકાના આધારે કાઈમ બ્રાંચની ટીમે તેમને વારાફરતી બોલાવીને પૂછપરછ શરૂ કરી હતી. જેથી ટૂંક જ સમયમાં આ હથિયારો કયા કામ માટે અમદાવાદ લાવવામાં આવ્યા હતા તેનો ઘટસ્ફોટ થશે.