દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામના ખેડૂતે દેના ગુજરાત ગ્રામિણ બેંક-ડીસામાંથી લોન લઇ રકમ ભરપાઇ ન કરતાં ડીસા કોર્ટે ખેડૂતને એક વર્ષની કેદની સજા અને લોનની રકમ ભરપાઇ કરવાનો હુકમ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામના ભોપાલસિંહ જગતુસિંહ વાઘેલા પોતે બટાટાનું વાવેતર કરે છે અને બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાના હોઇ કોલ્ડ સ્ટોરેજમાં 7500 કટ્ટા મૂક્યા હતા. જે બટાટા તારણમાં મૂકી ડીસાની દેના ગુજરાત ગ્રામિણ બેંકમાંથી તા. 25/05/2018 ના રોજ રૂ. 25,00,000 ની લોન લીધી હતી. જે લોનના નાણાં વ્યાજ સહીત રૂ. 26,00,000 ન ચૂકવતાં બેંકે અનેક વખત નોટીસ આપી જાણ કરતાં ભોપાલસિંહ જગતુસિંહ વાઘેલાએ તા. 20/11/2018 ના રોજ બેંકને ચેક આપ્યો હતો.
જે ચેક બેંક દ્વારા જમા કરતાં ખાતામાં પૂરતા નાણાં ન હોઇ તા. 19/01/2019 ના રોજ ચેક રીટર્ન થયો હતો. જેથી દેના ગુજરાત ગ્રામિણ બેંક-ડીસાના બ્રાન્ચ મેનેજર ગિરીશભાઇ લક્ષ્મીચંદ ગજ્જરે તા. 16/02/2019 ના રોજ ડીસા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ ડીસા એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ યોગેશકુમાર નરેન્દ્રભાઇ પટેલે બેંક તરફે એડવોકેટ કે.વી. ગેલોતની રજૂઆતો અને પૂરાવાને ગ્રાહ્ય રાખી આરોપી ભોપાલસિંહ જગતુસિંહ વાઘેલાને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ દોષી ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને રૂ. 26,00,000 બેંકને ચૂકવવા તેમજ રકમ ન ચૂકવે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.